કોડિનાર, તા.રપ
કોડિનાર કોળી સમાજના એક યુવાનને ચોરીના ગુના સંબંધે શંકાના આધારે પકડી કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા કે રજૂ કર્યા વગર ઢોર માર મારવા અને પોલીસના મારથી ગંભીર ઈજા પામેલ આ યુવાનને જૂનાગઢ સારવારમાં ખસેડવો પડે તેવી પરિસ્થિતિ થતાં આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ કોડિનાર તાલુકા કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ચાર દિવસ પહેલાં બનેલી આ ઘટના અંગે આજરોજ કોળી સમાજની વાડી ખાતે કોડીનાર તાલુકા કોળી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસે કોળી યુવાનને માર મારવાના બનાવ સહિત ભૂતકાળમાં પણ કોળી જ્ઞાતિને જ ખોટી રીતે નિશાન બનાવવાની નીતિરીતિ સામે એક વિસ્તૃત આવેદનપત્ર રાજ્યપાલને સંબોધન કરતો પત્ર કોડિનાર મામલતદારને પાઠવ્યો હતો.
જો કે કોળી યુવાનને તસ્કર ઠેરવવા પોલીસે તેને શંકાના આધારે પકડીને કાયદા વિરૂદ્ધ બેફામ ઢોર માર માર્યાના વીડિયો વાયરલ અને કોળી સમાજનો આક્રોશ ટાઢો પાડવા જવાબદાર કોડીનાર પોલીસના પી.એસ.આઈ. વાઘેલા સહિત બે પોલીસ કર્મીઓની બે દિવસ પહેલાં જ તાત્કાલિક અસરથી બદલી કરી નાખ્યા ઉપરાંત ઘટના અંગે મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે કોળી સમાજના લોકોને મંજૂર નહીં હોવાનું અને આ જવાબદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માગણી કરી હતી.
બનાવની વિગત અનુસારના ગત તા.૪ સપ્ટેમ્બરના રોજ કોડિનારના અજન્ટા સિનેમા પાસે આવેલ શ્રીરામ ટ્રેડિંગ નામની પાન-બીડી મસાલાની દુકાનના માલિક સવારે દુકાનનું તાળું ખોલતા હતા તે વખતે કોઈ ગઠિયો તેનું પાકિટ તફડાવી ગયો હતો. જે અંગે પોલીસમાં રૂા.૧ લાખ પ૬ હજારના પાકિટ અને પાકિટમાં રાખેલા મોબાઈલની ચોરી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. બાદ પોલીસ તપાસમાં ચોરાયેલા મોબાઈલ ટ્રેક થતાં પોલીસે કોળી યુવાન વિશાલ નાગજીભાઈ કામળીયાને મોબાઈલ સાથે શંકાના આધારે ઝડપી લીધો હતો. બાદ પોલીસે આ યુવાનને કોર્ટમાં રજૂ કર્યા વગર થયેલ ચોરી અંગે આગવી ઢબે પૂછપરછ કરતાં માર મારવો ચાલુ કરેલ જેમાં પી.એસ.આઈ. વાઘેલા તથા પોલીસકર્મી ઉદયસિંહ તથા અજીતસિંહ મારવાની હરિફાઈ રાખી હોય તેમ લાકડી તૂટે ત્યાં સુધી માર મારતા વિશાલ બેભાન થઈ ગયેલ બાદ રાત્રીના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા ફરી બેભાન થયેલા યુવાન અંગે સાચી હકીકત મેજિસ્ટ્રેટને થતાં આ યુવાનને સારવારમાં ખસેડવા તાકીદ કરી હતી. દરમ્યાન ઘટનાની જાણ સમગ્ર કોળી સમાજને થતાં દવાખાને ટોળા એકઠાં થવા લાગ્યા હતા અને જિલ્લા પોલીસવડાએ બનાવની ગંભીરતા સમજી લોકોનો આક્રોશ ઠંડો પાડવા રાતોરાત જવાબદાર પોલીસ કર્મીઓની વેરાવળ ખાતે બદલી કરી નાખી હતી પરંતુ કોડિનાર તાલુકાના કોળી સમાજ ઉપર ભૂતકાળમાં પણ પોલીસ દ્વારા થયેલા અન્યાયની ઘટનાને નજર અંદાજ કરી આ તમામ ઘટના આવેદનપત્રમાં જણાવી ચારથી પાંચ હજાર જેટલા સમાજના ભાઈ-બહેનોની એક મૌન રેલી કોડિનાર મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર કર્મચારીની બદલી નહીં પરંતુ સસ્પેન્ડ કરવાની માગણી સાથે આવેદનપત્ર પાઠવતા સમગ્ર સરકારી તંત્ર રેલી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખડેપગે રહ્યું હતું.
કોળી સમાજ વતી બહેનોએ આવેદનપત્ર પાઠવતા એવું પણ જણાવ્યું હતું કે, આગામી તા.૪ ઓક્ટોબર સુધીમાં જવાબદાર પોલીસ અધિકારી કર્મીઓને સસ્પેન્ડ નહીં કરાય તો ૪ ઓક્ટોબરે કોડિનાર ખાતેના એક કાર્યક્રમમાં આવનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કાળાં વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરવા જણાવ્યું છે.
દરમ્યાન કોળી યુવાનને માર મારવાના બનાવમાં પોલીસે એવું જણાવી રહી છે કે, વિશાલ પાસેથી મળેલા ચોરીના મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતાં તે મોબાઈલ તેને મળ્યા હોવાનું જણાવતો હતો. ત્યારે આ મોબાઈલ જે જગ્યાએથી મળ્યાનું જણાવતો હતો ત્યાં આજુબાજુના સીસી ટીવી કેમેરામાં તસ્કરે મોબાઈલ ફેંકવા અંગે કે કોળી યુવાનને આ મોબાઈલ મળ્યો હોય તેવું જણાઈ આવેલ ન હોવાનું અને ઘટના બાદ તુરત જ આ મોબાઈલ બંધ થયાનું અને તેના સીમકાર્ડ બદલી નંખાયાનું જણાયું હતું જેથી આ યુવાનને પૂછપરછ માટે લવાયો હતો પોલીસે તેને માર મારવા અંગે જે તે પોલીસની બદલી કરવા ઉપરાંત બનાવની મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ પણ થશે.
કોળી સમાજના આજના અપાયેલા આવેદનપત્ર કોળી સાથે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા પણ એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી કોડિનાર પોલીસ દ્વારા માત્ર કોળી સમાજને જ ટાર્ગેટ બનાવવા સામે તેમજ યુવાનને માર મારવાના બનાવ અંગે પોલીસકર્મી સામે એફઆઈઆર દાખલ કરવા માગણી કરી હતી.