કોડીનાર, તા.૧૬
કોડીનાર શહેર અને તાલુકાભરમાં છેલ્લા ૮ દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે તાલુકાભરમાં પરિસ્થિતિ અતિ વિકટ બની રહી છે. કોડીનાર પંથકમાં અવિરત વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગીર જંગલમાં આવેલ કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થતાં નદીકાંઠાના ૧૦ ગામોને તંત્ર દ્વારા હાઈએલર્ટ કરાયા છે. કોડીનારમાંથી પસાર થતી શિંગોડા નદીમાં બીજીવાર ઘોડાપૂર આવ્યા છે.
કોડીનારમાં સતત ૮ દિવસથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે આજે વધુ ૪ ઈંચ વરસાદ વરસતા શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હરમડિયા ઉપરાંત વિઠલપુર ગામે પણ સામજી વિસ્તારમાં સાંગાવાડી નદી ફાટતાં વિઠલપુર ગામ પણ બેટમાં ફેરવાયું છે. પુલ ઉપર ૧૦ ફૂટ પાણી વહેતા વાહન વ્યવહાર બંધ થયો હતો. તેમજ પુલની રેલીંગ પણ પાણીમાં તણાઈ હતી. આ ઉપરાંત આદપોકાર-શેઢાયા-બોળવા-મોરવડ-જમનવાડા-ભેટાડી સહિતના ૧ર જેટલા ગામોમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાયા છે. જ્યારે કોડીનારના દરિયાઈ વિસ્તાર કોટડા-માઢવડ-મૂળ દ્વારકામાં દરિયો ગાંડોતુર થતાં માઢવડ ગામે દરિયાઈ મોજાની થપાટથી બે મકાનો ધરાશાયી થયા છે આ ઉપરાંત આલીદર ગામે પીછળ તળાવ ઓવરફ્લો થતા ગામના નિચાણવાળા વિસ્તારના લોકોનું સરપંચ દ્વારા કન્યા શાળામાં સ્થળાંતર કરાયું છે. તેમજ વરસાદી પાણી ઉના કોડીનાર અને કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે ઉપર પણ ફરી વળતા કોડીનારથી ઉના અને વેરાવળનો વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. કોડીનારમાં આજે ૪ ઈંચ વરસાદ સાથે મૌસમનો કુલ ૪૪ ઈંચ (૧૦૯પ મીમી) અને શિંગોડા ડેમમાં આજના ૯ ઈંચ વરસાદ સાથે મૌસમનો કુલ ૩પ ઈંચ (૮૬પ મીમી) વરસાદ નોંધાયો છે.