કોડીનાર, તા.૨૩
કોડીનાર શહેરના મેમણ સમાજના વેપારીએ તેની પત્ની ઉપર અધમ્ય કૃત્ય આચરી પત્નીને મારી નાખવાની કોશિશ કરતા પરિણીતાએ આ બનાવમાં પતિ સહિત સાસરિયા પક્ષના કુલ ૭ શખ્સો વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત મુજબ કોડીનારના બજારમાં સજ્જન માણસની છાપ ધરાવતા આશિફ પ્રોવિઝનવાળા આશિફ ઈસ્માઈલ જેરી અને તેના ઘરવાળાઓએ તેની જ પત્નીને મારમારીને મારી નાખવાની કોશિશ કરતા બે વર્ષ અગાઉ પણ ફરિયાદ નોંધાઈ હતી. વિગત મુજબ ઉનાની નજમાબેનના લગ્ન ૮ વર્ષ અગાઉ કોડીનારના આશિફ ઈસ્માઈલ જેરી સાથે થયા હતા. પરંતુ લગ્નના ૬ વર્ષ સુધી બાળક થતું ન હોય, બે વર્ષ અગાઉ નજમાબેનના પતિ અને સાસરિયાઓએ તેને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારથી નજમાબેન ઉના માવતરે રિસામણે હોય, ગઈ તા.૧૩/૧૧ના ઉના કોર્ટમાં કેસની મુદ્દતે આવેલા નજમાબેનના પતિ અને સસરાએ નજમાબેનને પરત ઘરે આવી જવાનું કહી, હવે આવું નહીં થાય તેમ જણાવતા નજમાબેન તા.૨૨/૧૧ના કોડીનાર મેમણ કોલોનીમાં ઘરે પરત આવતા સાસરિયાઓએ તું પાછી શું કામ આવી છે, તું વાંજણી છે. તને હવે જોઈતી નથી તેમ કહેતા નજમાબેને તેના પતિ આશિફે તેને પરત બોલાવી હોય હવે અહીથી નહીં જાવ કહેતા આશિફ, તેના સસરા ઈસ્માઈલ જેરી, જેનાબેન ઈસ્માઈલ જેરી, અનિસ ઈસ્માઈલ જેરી, શકીલ હનીફ, જીલુબેન અને રિઝવાના આ બધાએ ઉશ્કેરાઈ મારી ઝેરી દવા પીવડાવવાની કોશિશ કરતા નજમાબેને રાડોરાડ કરતા પાડોશીઓ દોડી આવી નજમાબેનને છોડાવી, ૧૦૮ એમ્બ્યુલન્સમાં દવાખાને સારવારમાં ખસેડતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરેલ છે. કોડીનાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.