(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા.૧૯
કોડિનાર ગુજરાતી નવ યુવાન ચિરાગ જાની છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ-ટોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં ચમકી, પોતાના અભિયન થકી ડંકો વગાડી સફળતાના શિખરો સર કરી રહ્યા હોય કોડિનારનું નામ દેશભરમાં રોશન કરી ગૌરવ અપાવી રહ્યા છે.
સાઉથ ઈન્ડિયાની ફિલ્મમાં પોતાના અલગ દેખાવ અને અભિયન ક્ષમતાના કારણે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કોડિનારના એક્ટર ચિરાગ જાનીએ ગુજરાત ટુડે કોડિનારના પત્રકાર અલ્તાફ મુગલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તે સોની ટીવી ઉપર ટૂંક સમયમાં પ્રસારિત થનાર ઐતિહાસિક સિરિયલ “પોરસ”માં પોરસ રાજાને તાલીમ આપી એલેક્સઝેન્ડર સાથે લડવા માટે સક્ષમ બનવાની તાલીમ આપતા દસ્યુ રાજાના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં રિલીઝ થયેલી ચિરાગ જાની અભિનિત સાઉથ ફિલ્મ “રૌગ” સુપરહીટ થઈ ચૂકી છે. “રૌગ” ફિલ્મના ડાયરેક્ટર પુરી જગન્નાથ બુઢા હોગા તેરા બાપમાં અમિતાભ બચ્ચનને અને વોન્ટેડ ફિલ્મમાં સલમાનખાનને ડિરેક્ટ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તમિલ ફિલ્મ “ઉન કાધલ ઈરૂંથલ” રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં ચિરાગ જાની વિલનના રોલમાં જોવા મળશે.
આ ઉપરાંત બોલિવુડથી બે ફિલ્મો “યહાં અમીના બીક્તી હૈ” અને “ધ ટ્રેપ” આ વર્ષે રિલીઝ થશે. યહાં અમીના બીકતી હૈ ફિલ્મનું દિગ્દર્શન ઓસ્કાર નોમિનેટેડ ડિરેક્ટર કુમાર રામે કર્યું છે. આ ફિલ્મમાં ચિરાગ જાની મેઈન વિલનની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે “કામસૂત્ર ૩ડી” જેવી વિવાદાસ્પદ ફિલ્મના ડિરેક્ટર રૂપેશ પૌલ ડાયરેક્ટર ફિલ્મ “ધ ટ્રેપ”માં ચિરાગ જાની મેઈન લીડ એક્ટર તરીકે જોવા મળશે.
ચિરાગ જાની આ વર્ષે ગુજરાતી ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં પણ પદાર્પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ચિરાગ જાની સાવધાન ઈન્ડિયા, સીઆઈડી, સુપરકિટ્‌સ જેવા ટીવી શો અને અનેક સાઉથ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરી ચૂક્યા છે.