મુંબઈ,તા.૮
બીસીસીઆઈએ હાલની સીઝનમાં વધારે મેચની જાહેરાત કરવાની સાથે જ એ પણ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને રોટેશન પોલિસી અંતર્ગત રમાડવામાં આવશે જેથી ટીમ પર વધારે દબાણ ન પડે અને ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસ જાળવી શકાય. મીડિયા અહેવાલ અનુસાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પણ આગામી વનડે મેચોમાં પણ આરામ આપવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર વિરાટ જ નહીં પરંતુ ટીમના અન્ય ખેલાડીઓને પણ વચ્ચે વચ્ચે આરામ આપવામાં આવશે કારણ કે ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધની સિરીઝ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને ત્યાર બાદ પરત ફરીને ફરી ઓસ્ટ્રેલિયા-ઝિમ્બાબવે વિરૂદ્ધ મેચ રમવાના છે. બીસીસીઆઈના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, વિરાટને વિશ્વકપને ધ્યાનમાં રાખતા ફિટ રાખવા માટે ફરી આરામ આપવામાં આવી શકે છે. તેને આગામી વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં બેસ્ટ કોમ્બિનેશનની શોધ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.