નવીદિલ્હી,તા. ૨૪
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ગરદનમાં ઇજા થવાના પરિણામ સ્વારુપે ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં રમી શકશે નહીં. બીસીસીઆઈએ આજે આ અંગેની માહિતી આપી હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે, કોહલી કાઉન્ટી ક્રિકેટમાં રમી શકશે નહીં. ઇજામાંથી બહાર આવવા માટે કોહલીને ત્રણ સપ્તાહની જરૂર પડશે. કોહલીના ફિટનેસ ટેસ્ટ ૧૫મી જૂનના દિવસે કરવામાં આવશે. ત્યારબાદ જ ઇંગ્લેન્ડના પ્રવાસમાં તેની ઉપસ્થિતિના સંદર્ભમાં કોઇ નિર્ણય લઇ શકાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, કોહલી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસથી પહેલા કાઉન્ટી ક્રિકેટમાં હિસ્સો લઇ શકશે નહીં. હકીકતમાં કોહલી બુધવારના દિવસે તપાસ માટે એક હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ત્યારબાદ એવા અહેવાલ આવ્યા હતા કે તેને સ્લીપ ડિસ્ક થઇ ગયું છે અને તે ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા સરે માટે કાઉન્ટી ક્રિકેટમાં રમી શકશે નહીં. મોડેથી બોર્ડના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, વિરાટને સ્લીપ ડિસ્ક થયું નથી. આ મામલો નેકસ્પ્રેનનો રહેલો છે. બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે, વિરાટના કાઉન્ટી ક્રિકેટમાં નહીં રમવાનો નિર્ણય મેડિકલ દ્વારા ચેકઅપ બાદ લેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટનને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તેના પર બીસીસીઆઈની ટીમ નજર રાખશે. કોહલી ટૂંકમાં જ ટ્રેનિંગ પણ શરૂ કરી શકશે. ૧૫મી જૂનના દિવસે બેંગ્લોરમાં એમસીએમાં ફિટનેસ ટેસ્ટ થશે. મેડિકલ ટીમને આશા છે કે, તે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા ઠીક થઇ જશે. બીસીસીઆઈના કારોબારી અધ્યક્ષ અમિતાભ ચૌધરીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, સનરાઈઝ હૈદરાબાદની સામે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૭મી મે ૨૦૧૮ના દિવસે આઈપીએલની ૫૧મી મેચમાં કોહલીને ગરદનમાં ઇજા થઇ હતી. ત્યારબાદ પીડા ઓછી થઇ ગઇ હતી પરંતુ સાવચેતીના પગલારુપે તે ચકાસણી માટે ગયો હતો. આ પહેલા વિરાટની ફિટનેસને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા હતા. કેટલાક અધિકારીઓએ કહ્યું હતું કે, થાકનો મામલો રહેલો છે પરંતુ વર્ક મેનેજમેન્ટની વાત પણ થઇ રહી હતી.અમે વર્કલોડની મોનિટરિંગ કરી રહ્યા છે. એવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે જેના ભાગરુપે કાઉન્ટી અવધિને ઘટાડી શકાય. ભારતીય કેપ્ટનની ફિટનેસના મામલે પ્રશ્નના જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે, વિરાટે બુધવારના દિવસે જ ફિટનેસ ચેલેન્જનો વિડિયો શેયર કર્યો છે. રાજ્યવર્ધનસિંહ રાઠોડે ટિ્‌વટર પર ફિટનેસ ચેલેન્જ અભિયાનની શરૂઆત કરી છે. રાઠોડે કોહલીને પણ ચેલેન્જ ફેંકીને આની શરૂઆત કરી હતી. ત્યારબાદ કોહલીએ આ ચેલેન્જ સ્વીકારીને મોદીને ચેલેન્જ કરી હતી. વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટના બદલે કાઉન્ટી ક્રિકેટમાં રમનાર હતો. ૨૦૧૪માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર તે પાંચ ટેસ્ટ મેચોમાં ૧૩.૧૪ રનની સરેરાશ સાથે માત્ર ૧૩૪ રન બનાવી શક્યો હતો.
સતત ક્રિકેટથી પરેશાની

જૂન ૨૦૧૭થી મે ૨૦૧૮ સુધી નવ ટેસ્ટ મેચ રમ્યો છે
છેલ્લા ૧૨ મહિનામાં ૨૯ વનડે અને ટી-૨૦ નવ મેચો રમ્યો
ભારતીય ટીમે છેલ્લા એક વર્ષમાં ૫૯ ઇન્ટરનેશનલ મેચો રમી છે જેમાં કોહલી ૪૭ મેચોમાં રમ્યો છે
રોહિત અને હાર્દિક પંડ્યાએ ૪૮-૪૮ મેચો રમ્યા છે