વિશાખાપટ્ટનમ્‌,તા.૨૩
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન ડે મેચની સિરીઝની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાશે. ૨૪ ઓક્ટોબરે રમાનારા આ મુકાબલા માટે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિશાખાપટ્ટનમ પહોચી ગઇ છે. મહત્વપૂર્ણ છે કે સિરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઇ હતી જેમાં ભારતે આઠ વિકેટે વિન્ડીઝને હરાવ્યું હતું. ગુવાહાટીમાં પ્રથમ વન ડે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૧૪૦ અને રોહિત શર્માએ ૧૫૨* રનની ઇનિંગ રમી હતી.
બીજી વન ડે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૪ ઓક્ટોબરે રમાનારી મેચમાં પિચને બેટ્‌સમેનોના અનુકૂળ બતાવવામાં આવી છે જ્યા ફેન્સને ફરી મોટા સ્કોરવાળી મેચ જોવા મળી શકે છે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધુ ૯૪૯ વન ડે મેચ રમી છે. ૯૫૦ વન ડે રમવા માટે ભારતને હવે ફક્ત એક મેચની જરૂર છે. વિન્ડીઝ સામે ગત ૨૧ ઓક્ટોબરે રમાયેલી પ્રથમ વન ડે મેચ ટીમ ઇન્ડિયાની ૯૪૯મી મેચ હતી અને આવતી કાલે ૨૪ ઓક્ટોબરે જે મેચ ટીમ ઇન્ડિયા રમશે તે તેનો ૯૫૦મો વન ડે મુકાબલો હશે.
ભારતે ૯૪૯માંથી ૪૯૦ મેચ જીતી છે અને ભારતની સફળતાની ટકાવારી ૫૪.૨૯ ટકા છે. પાકિસ્તાને ૮૯૯માંથી ૪૭૬ મેચ જીતી છે અને તેની જીતની ટકાવારી ૫૪.૪૮ ટકા છે. આ બંને ટીમ સિવાય કોઈ અન્ય ટીમ ૪૦૦થી વધુ વન ડે મેચ જીતી શકી નથી.
મહત્વપૂર્ણ છે કે આ સ્ટેડિયમનું નિર્માણ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યું હતું. ૩૮૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ સાત વન ડે મુકાબલા રમાઇ ચુક્યા છે. આ સાત મુકાબલામાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે ૨ વખત જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે પાંચ વખત જીત મેળવી છે. સ્ટેડિયમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૩૫૬ રન છે જે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ બનાવ્યો હતો. જ્યારે સૌથી ઓછો સ્કોર ૭૯ રનનો છે, જે ન્યૂઝીલેન્ડની ટીમે ભારત વિરૂદ્ધ બનાવ્યો હતો.

કોહલી બનાવી શકે છે સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારવાની સાથે જ ૧૪૦ રન બનાવ્યા હતા અને ભારતને એકતરફી જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. બીજી વન-ડે મેચમાં કોહલી પોતાના ૧૦,૦૦૦ રન પુરા કરવાથી માત્ર ૮૧ રન દૂર છે.
જો કોહલી આ મેચમાં ૮૧ રન પુરા કરે છે તો તે સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરશે અને સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે.