ગાંધીનગર, તા.૨૩
ગુજરાતમાં આગામી ૮ ઓગસ્ટના રોજ રાજ્યસભાની ત્રણ સીટ માટે મતદાન થશે. આ ત્રણ સીટ પર હાલમાં ભાજપના બે સભ્યો સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યા અને ત્રીજી સીટ પર કોંગ્રેસના અહમદ પટેલ સાંસદ છે. કોંગ્રેસના ૫૭માંથી કેટલાક ધારાસભ્યો આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી શકે છે. એવી રાજકીય પંડિતો અને કોંગ્રેસના કાર્યકરો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જો કે અહમદ પટેલના ગ્રુપના નેતાઓનું માનવું છે કે, આ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં જ પડે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, સેક્શન ૫૯- ધ રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ, ૧૯૫૧ અને ઇલેક્શન રૂલ ૩૯(છ)(છ) અનુસાર આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મત આપવામાં આવે છે. આ ચૂંટણીમાં વોટ ઓપન બેલેટ પેપર પર આપવામાં આવે છે. આ કાયદા હેઠળ ચૂંટણી અધિકારીને ધારાસભ્યના વોટ તપાસવાનો અધિકાર છે અને જો કોઈ ધારાસભ્ય પક્ષ વિરૂદ્ધ મત આપે તો તેને ઝીરો ગણવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે. જેથી પક્ષ વિરૂદ્ધ કોઈપણ મત આપવાનો પ્રયત્ન કરે તો તે તેમાં સફળ ન રહે. આમ અહમદ પટેલ માટે પણ આ સીટ જીતવી એટલી મુશ્કેલ નહીં થાય.