(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ વિશાલદર્શન એપાર્ટમેન્ટનો ભાગ સોમવારની મોડી રાત્રે એક વાગ્યાના આસપાસ નમી ગયો હતો. બાદમાં લગભગ ચાર વાગ્યે આ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગ નમી ત્યારબાદ જ તમામ ૧૧ પરિવારના ૨૫ જેટલા રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. જે બાદ બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અંબિકા નિકેતનની ગલીમાં એસએમસી કમિશનર બંગલા નજીક વિશાલ દર્શન એપાર્ટમેન્ટ લગબગ ૩૫ વર્ષ જૂનું હતું. ચાર માળના આ બિલ્ડિંગમાં ૧૬ ફ્લેટ અને ૧૧ પરિવાર રહેતા હતા. પરંતુ રાત્રે જ બિલ્ડિંગનો ભાગ નમી જતાં તમામને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બાદમાં લોકો સુરક્ષિત રીતે બહાર નીકળ્યાના થોડા સમય બાદ સવારે ચાર વાગ્યે બિલ્ડિંગનો ભાગ ધડાકાભેર નમી પડંયો હતો. જો કે, તેમાં કોઈને ઈજા જાનહાનિ પહોંચી નહોતી. ફાયરબ્રિગેડની એક ટીમ પણ સતર્કતાના ભાગ રૂપે તૈનાત રહી હતી. ફાયર ઓફિસર પ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર રાત્રે એ સવા એક વાગ્યાના સુમારે નમી પડેલી એપાર્ટમેન્ટ મળસ્કે ચાર વાગ્યાના સુમારે તૂટી પડી હતી. સમયસર એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પરિવારો અને સભ્યો સુરક્ષીત નીચે ઉતરી આવતા કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ તમામ પરિવારોનો ઘરવખરી ફલેટમાં જ હોવાથી ભારે નુકસાન થયું છે. પહેરેલ કપડે નીચે ઉતરેલા ફલેટધારકો તૂટી પડેલ ઈમારતમાંથી પોતાના ડોક્યુમેન્ટ રોકડ અને ઘરેણા લેવા માટે એક-એક કરીને કાટમાળમાં ગયા હતા. ફાયર બ્રિગેડે આગમચેતીના ભાગરૂપે વિશાલ દર્શન એપાર્ટમેન્ટના બાજુમાં આવેલ ૧૦ માળનું સરસ્વતી એપાર્ટમેન્ટને પણ ખાલી કરાવી દીધુ છે. કાટમાળ ખસેડતી વખતે વાઇબ્રેશન થવાથી બાજુની બિલ્ડિંગમાં નુકસાનથી કોઇ હોનારત ન થાય તે માટે ફાયર સ્ટાફે અઠવા ઝોનના સ્ટાફ સાથે મળીને સરસ્વતી બિલ્ડિંગને ખાલી કરાવી છે.
વિશાલ દર્શન એપાર્ટમેન્ટ નમી પડવાનું કારણ હજુ જાણી શકાયુ નથી અઠવા ઝોનના સ્ટાફ દ્વારા બિમ, કોલમ અને કાટમાળના નમૂના લીધા છે. એન્જિનિયરીંગ અને વૈજ્ઞાનિક પૃથ્થકરણ બાદ બિલ્ડિંગ તૂટી પડવાનું સાચુ કારણ જાણી શકાશે. ઉપરોકત બિલ્ડિંગને અગાઉથી જ ફાયર વિભાગ અને અઠવા ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અઠવા ઝોન દ્વારા હાલ કાટપીટિયાની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છ. આ એપાર્ટમેન્ટ ૧૬ પૈકી બે-ત્રણ ફલેટ બંધ હતા અને ત્રણ-ચાર ફલેટ એક જ વ્યકિતના માલિકીના હોવાથી અસરગ્રસ્ત પરિવારો ૧૧ અને સભ્યો ૨૫ હોવાથી માહિતી જાણવા મળી છે.
ચાર માળનું વિશાલદર્શન એપાર્ટમેન્ટ મધરાત્રે ભોંયભેગું : કોઈ જાનહાનિ નહીં

Recent Comments