(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૮
ચૂંટણી પંચે કર્ણાટકમાં ૩જી નવેમ્બરે લોકસભાની ૩ પેટા ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી આ નિર્ણયથી બધા રાજકીય પક્ષો આશ્ચર્યમાં પડી ગયા અને પ્રશ્ન કર્યો કે લોકસભાની ચૂંટણીઓમાં ૬-૭ મહિના બાકી હોવાથી હાલમાં પેટાચૂંટણીઓ યોજવાનો કોઈ અર્થ નથી.
ચૂંટણી પંચે એ સાથે શિવા મોગ્ગા, બેલ્લારી, માંડ્યા, રામાનગર અને જમખાંડી મતવિસ્તારો માટે વિધાનસભાની પાંચ બેઠકો માટે પણ ૩જી નવેમ્બરની તારીખ જાહેર કરી હતી. મત ગણતરી ૬ઠ્ઠી નવેમ્બરે યોજાશે.
વિધાનસભાની પેટા ચૂંટણીઓની જરૂર હતી. ભાજપના બી.એસ. યેદિયુરપ્પા અને બી.સીરીયાલુ, સી.એસ. પુટ્ટારાજાુએ સંસદમાંથી રાજીનામું આપતા આ બેઠકો ખાલી થઈ હતી. જમખાંડીના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના સિદ્ધુ ન્યામાગૌડાનું અવસાન થતાં ત્યાં ચૂંટણી જરૂરી હતી અને કુમારસ્વામીએ બે બેઠકોમાંથી એક બેઠક ઉપરથી રાજીનામું આપતા ત્યાં પણ ચૂંટણી અનિવાર્ય હતી. વિધાનસભાની પેટાચૂંટણીઓને બધા પક્ષોએ આવકારી હતી. કારણ કે હજુ સાડાચાર વર્ષ બાકી છે પણ લોકસભા ચૂંટણી માટે કોઈ પક્ષને રસ નથી. યેદિયુરપ્પાએ કહ્યું કે જે પણ સાંસદ ચૂંટાશે એમને પાંચ મહિના પછી ફરી ચૂંટણીનો સામનો કરવો પડશે. આ બિનજરૂરી છે. ખબર નથી કે ચૂંટણી પંચે શું વિચારીને જાહેરાત કરી છે પણ અમારે તો માનવું જ પડશે.