નવીદિલ્હી,તા. ૧૧
સિક્કિમ સેક્ટરની પાસે ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ આજે લોકસભામાં કહ્યું હતું કે, ભારતીય સેના કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ડોકલામમાં ગતિરોધ વચ્ચે ચીન દ્વારા તિબેટમાં સૈનિકોની ગતિવિધિઓના અહેવાલ અને પાકિસ્તાનના એક લશ્કરી અધિકારી દ્વારા પોતાના સંરક્ષણ ઉદ્યોગને ભારતથી વધારે શ્રેષ્ઠ હોવાની વાત કરવાના અહેવાલના સંદર્ભમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, ભારતીય સેના કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેટલીએ કહ્યું હતું કે, લશ્કરી દળો સંપૂર્ણ સક્ષમ અને આધુનિક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશના સુરક્ષા દળોની પાસે પુરતા પ્રમાણમાં સંશાધનો પણ છે અને આને લઇને કોઇ શંકા કરવી જોઇએ નહીં. ડોકલામ વિસ્તારમાં ચીની સેના દ્વારા માર્ગ નિર્માણને લઇને ભારતે વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય સેનાએ તે વિસ્તારમાં ચીની સેનાના નિર્માણ કાર્યને રોકી દેતા વિવાદની શરૂઆત થઇ હતી. ૧૬મી જૂનના દિવસે થયેલી આ ઘટના બાદ બંને દેશો વચ્ચે ખેંચતાણ થયેલી છે. ચીન ભારતથી ડોકલામમાંથી પોતાની સેનાને દૂર કરવાની માંગ કરી રહ્યું છે. ચીનનું કહેવું છે કે, સેનાને ખસેડી લીધા બાદ જ કોઇ પ્રકારની વાતચીત કરવામાં આવશે. ડોકલામમાં માર્ગ નિર્માણને લઇને ભુટાને પણ વાંધો ઉઠાવ્યો હતો. ભૂટાને આને પોતાના ક્ષેત્ર તરીકે ગણાવીને ચીન પર યથાસ્થિતિના ભંગનો આક્ષેપ મુકવામાં આળ્યો હતો. ચીન અને ભારતની ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદમાંથી આશરે ૨૨૦ કિલોમીટર લાંબી સરહદ સિક્કિમમાંથી પસાર થાય છે. ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે હાલમાં જ સંસદમાં નિવેદન આપતા કહ્યું હતું કે, ડોકલામ વિવાદનો ઉકેલ વાતચીત મારફતે થઇ શકે છે. બંને પક્ષો શાંતિથી સાથે બેસીને મામલાનો ઉકેલ લાવી શકે છે. બીજી બાજુ ચીની મિડિયા દ્વારા તથા ત્યાની સેના દ્વારા સતત યુદ્ધ છેડવાની ધમકી આપવામાં આવી રહી છે. ચીની મિડિયામાં દરરોજ ભારતને યુદ્ધની ધમકી આપવામાં આવી રહી છે. બીજી બાજુ ભારતીય સેના તરફથી આને લઇને કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી. જો કે, આગામી દિવસો બંને દેશો માટે ખુબ મહત્વપૂર્ણ બની શકે છે. કારણ કે, ખેંચતાણનો અંત લાવવાની જરૂરિયાત ઉભી થઇ છે.