(એજન્સી) લખનઉ,તા. ૨૩
યુપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થયેલા પહેલા મતદાનમાં મેરઠ અને કાનપુર જિલ્લામાં ખામીયુક્ત વોટીંગ મશીનો પર યુપીમાં ભારે હોબાળો મચ્યો છે. મેરઠ અને કાનપુરની નગરપાલિકાઓની ચૂંટણીમાં કોઈ પણ બટન દબાવો પરંતુ વોટ ભાજપને મળતો મળ્યો હતો જેની પર ખૂબ મોટી બુમરાણ મચી છે. મરેઠમાં જ્યારે એક મતદાતાને ભાન થયું કે પોતે વોટ તો બસપાના ઉમેદવારને આપ્યો હતો પરંતુ વોટ ભાજપને મળ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જે પછી મતદાન કેન્દ્રની બહાર વિપક્ષી પાર્ટીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જોકે અધિકારીઓએ તાકીદના ધોરણે ખામીયુક્ત મશીનોને બદલી નાખ્યાં હતા પરંતુ વિપક્ષોએ એવો દાવો કર્યો કે વોટીંગ મશીનો સાથે ચેડા થયાં છે. એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે અમને જ્યારે ખામીવાળા વોટીંગ મશીનોને જાણ થઈ કે તરત જ તેને બદલી નાખ્યાં હતા. બસપાના ઉમેદવારને વોટ આપવાનો પ્રયાસ કરી રહેલા તસલીમ અહેમદનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ બન્યો હતો. તસલીમે કહ્યું કે મેં બસપાના ઉમેદવારની સામેનું બટન દબાવ્યું હતું પરંતુ મશીને ભાજપના ખાતામાં વોટ પડ્યો હોવાનું નોંધ્યું હતું. હું છેલ્લા એક કલાકથી રાહ જોઈ રહ્યો છું પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિક ચૂંટણીમાં ‘છેડછાડવાળા’ વોટિંગ મશીનોએ ચૂંટણીના માહોલ ખરાબ કર્યો છે. બુધવારે ત્રણ તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શરૂ થી. મતદાતાઓએ રાજ્યના ૨૪ જિલ્લાઓમાં મતદાન કર્યું જે ભાજપ માટે અગ્નિપરીક્ષા સમાન ગણવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કામાં ઓછું મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યાનુસાર ૪૬ ટાક મતદાન થયું હતું. કુલ મતદાન ઓછુ થયું હતું. ટેકનીકલ ખામી, ખામીયુક્ત વોટીંગ મશીનો, બોગસ વોટિંગ જેવા મુદ્દાઓને કારણે ચૂંટણીનો માહોલ ખરાબ થયો. કાનપુર શહેરમાં પણ વ્યાપક સ્તરનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. મતદાતાઓએ એવો પણ આક્ષેપ કર્યો કે અમારી ફરિયાદ હોવા છતાં પણ વોટિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. બૂથ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવતાં ખામીવાળા વોટીંગ મશીને બદલી નાખવામાં આવ્યું. કાનપુર શહેરના સંખ્યાબંધ બૂથોની બહાર વ્યાપક પ્રમાણમાં દેખાવ જોવા મળ્યો. ગોવિંદનગર વિધાનસભા મતવિસ્તારમાં પણ ગમે તે પાર્ટીનું બટન દબાવવામાં આવતાં વોટ તો ફક્ત ભાજપના ઉમેદવારને મળતો હતો.