(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૩
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધતી જાય છે. જીતુ વાઘાણીની વરણી અને વર્તનથી નારાજ કારડિયા રાજપૂતોએ તેમની સામે લડતના મંડાણ કર્યા બાદ ૧પમીએ ભાવનગરના બુધેલ ગામે કારડિયા રાજપૂતોનું મહાસંમેલન મળી રહ્યું છે તેની સાથે જ જીતુ વાઘાણી સામે બીજો મોરચો ખોલવા સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાના ચુલી ગામે કોળી સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે. ઉપરાંત પાટીદારો પણ ભાજપથી નારાજ હોવાની જીતુ વાઘાણી અને ભાજપ સામે કપરા ચઢાણ આવી રહ્યાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વાણી વર્તન વ્યવહાર અને કાર્ય પધ્ધતિ સામે અનેક રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તા ૧૫મી રોજ ભાવનગરના બુધેલ ગામ ખાતે કારડિયા રાજપુતોનું સંમેલન મળી રહ્યું છે. પણ તે પહેલા ગામે ગામ રાત્રી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં કઈ રીતે જીતુ વાઘાણી સામે લડત માંડી શકાય તેની ચર્ચાઓ પણ શરૂ થઈ છે.બુઘેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી જીતુ વાઘાણીના ખોટા હુકમને તાબે નહીં થતાં તેમની ઉપર ખોટા કેસ કરી તેમને પરેશાન કરી મુકવામાં આવ્યા હતા. તેના પગલે સમગ્ર કારડિયા સમાજે વાઘાણી સામે લડતના મંડાણ કર્યા છે, આ મુદ્દે મધ્યસ્થિ કરવા જશા બારડ પણ આવ્યા હતા, પણ સમાજે તેઓ દાનસંગ મોરી સાથે છે તેવું સ્પષ્ટ કહી દીધું હતું, આમ ૧૫મીનું સંમેલન રોકવા માટે ભાજપના કોઈ પ્રયાસ હજી સુધી સફળ રહ્યા નથી. કારડિયા રાજપુતની જ્યાં પણ વસ્તી હોય તેવા ગામમાં રાત્રી બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.પુર્વ સરપંચ દાનસંગ મોરીની સારી છાપને કારણે ગામના પાટીદારો પણ તેમના આંદોલનનો ભાગ બની રહ્યા છે. સૌરાષ્ટ્રના જેતપુર સિહોર અને સુત્રાપાડા ખાતે મોટી સંખ્યામાં રાજપુતોની રેલી નિકળી હતી અને તેમણે મામલતદારને આવેદન પત્ર આપી વાઘાણીના ખોટા કામ રોકવા માગણી કરી તેમની સામે પગલાં ભરવા જણાવ્યું હતું. જીતુ વાઘાણી સામે કારડિયા રાજપૂતે ખોલેલા મોરચા બાદ હવે સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું મહાસંમેલન મળી રહ્યુ છે. તા.૧પમી ઓકટોબરના રોજ ધ્રાંગધ્રાના ચૂલી ગામે ર૦ હજાર કરતા વધુ કોળી સમાજના લોકો એકત્રિત થઈ રહ્યાં છે. તેમના મતોની સંખ્યા વધુ હોવા છતાં ભાજપમાં તેમને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળતુ નથી. તે મુદ્દે નારાજગી છે ભાજપના અગ્રણી છત્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે હળવદ અને ધ્રાંગધ્રામાં કોળી મતદારોની સંખ્યા ૮૦૦૦૦ની હોવા છતાં ભાજપની નેતાગીરી દ્વારા કોળી સમાજની સતત અવગણના થઈ રહી છે. જો કોળી સમાજની વાત ભાજપની નેતાગીરી સાંભળતી ન હોય તો કોળી સમાજે સંગઠીત થઈ પોતાની વાત કહેવી પડશે તેના સંદર્ભમાં આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલનમાં હળવદ અને ધ્રાંગધ્રાના ર૦ હજાર લોકો એકત્રિત થશે અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી વખતે કોની સાથે જવું તેનો નિર્ણય કરશે.
કોળી સમાજે પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા ભાજપ સામે મોરચો માંડ્યો

Recent Comments