કોડીનાર, તા.ર૯
કોડીનાર કોળી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાવનગર કોળી સગીરા ઉપર દુષ્કર્મ કરનાર ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સંબંધી આરોપીને સખ્ત સજા કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. કોડીનાર કોળી સમાજ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તા.૧૧/૭ના રોજ ભાવનગરના વરતેજ મૂકામે આવેલ ફેક્ટરીમાં સગીરાને લાલચ આપી કારખાનેદાર સુરેશ શિવા માઘવાણીએ સગીરા ઉપર દુષ્કર્મ આચરતા અને આ નરાધમ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સંબંધમાં મામાનો દીકરો થતો હોય અને રાજકીય માથુ ધરાવતો હોય પોલીસે પહેલા ફરિયાદ લેવામાં આના કાની કર્યા બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થતા અને કોળી સમાજ દ્વારા ગામે ગામ આ ઘટનાનો વિરોધ કરી આંદોલનની ચીમકી આપ્યા બાદ આખરે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હોય અને આ ગુનાનો આરોપી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો સંબંધી હોય કોઈ રાજકીય કાવાદાવા કરી કેસ રફે-દફે ન થાય અને આરોપી કાયદાની જાળીમાંથી છટકી ન જાય તે બાબતે અસરકારક પગલા ભરી આ નરાધમને જો જામીન મળશે તો રાજકીય પાવર અને પૈસાના જોરે કેસને રફે-દફે કરી શકે તેમ હોય તેને જામીન મુક્ત ના કરવા અને આવા વિકૃત વ્યક્તિને કડકમાં કડક સજા કરવા કોડીનાર કોળી સમાજે માગણી કરી છે. કોળી સમાજની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આ બનાવને વખોડી નરાધમ કારખાનેદાર ઉપર ફીટકાર વરસાવ્યો હતો.