(એજન્સી) કોલકાતા, તા.ર૪
ટ્‌વીટર પર તંગદિલી ફેલાવનારાઓએ પોસ્ટ કરેલા નવરાત્રી દરમિયાન પૂજારીને મારતા વીડિયોને લઈ કોલકાતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ટ્‌વીટર પર શેઅર કરેલ વીડિયોમાં નવરાત્રીના ઢોલ-નગારા વચ્ચે પશ્ચિમબંગાળના કેટલાંક મુસ્લિમ લોકો પૂજારીને મારતાં બતાવવામાં આવ્યા છે. આ ટ્‌વીટ હજારો વખત ટ્‌વીટ કરવામાં આવી હતી. જ્યારે કોઈએ આ વીડિયોની તપાસ કરવા પોલીસને જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે ટ્‌વીટ પર કોઈએ જૂનો વીડિયો અપલોડ કર્યો હતો. હાલમાં વીડિયો અપલોડ કરનારનું ટ્‌વીટ એકાઉન્ટ બંધ બતાવે છે. કોલકાતા પોલીસે ટ્‌્‌વીટર પર જણાવ્યું કે, આ એક નકલી વીડિયો છે અને વીડિયોમાં જે પૂજારીને માર ખાતાં બતાવવામાં આવ્યો છે એ એના પોતાના પરિવારના સભ્યો છે. પૂજારીએ એક છોકરીની જાતીય સતામણી કરી હતી જેના કારણે તેની ધોલાઈ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે પૂજારી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કોમી તંગદિલી ફેલાવનારા સામે યોગ્ય પગલાં લેવામાં આવશે એમ કોલકાતા પોલીસે જણાવ્યું હતું. આ ઘટના મમતા બેનરજીના અને ન્યાયાલય વચ્ચે થયેલ ઝઘડા બાદ સામે આવી છે. પશ્ચિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની સરકારને કહ્યું છે કે તહેવારોના ટાણે બે સમુદાયને અલગ કરવામાં ન આવે. તહેવારો દરમિયાન બે સમુદાય વચ્ચે કોઈપણ પ્રકારની અથડામણ ન થવી જોઈએ. જો કોઈ ફેસબુક કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોમી ટિપ્પણી કરે તો તેની સામે સખત પગલાં લો અને સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર નજર રાખવા જણાવ્યું હતું.