અંકલેશ્વર, તા. રપ
અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આજે વહેલી પરોઢે કોલસો ભરેલું ડમ્પર ભડકે બળતાં દોડધામ મચી હતી. જોકે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મળવ્યો હતો. હાઈવે ઉપર સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરી બાદમાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો.
સુરત તરફથી આજે વહેલી પરોઢે કોલસા ભરીને ડમ્પર નંબર જીજે ૦૫, બીયુ ૬૨૦૦નો ચાલક ભરૂચ તરફ આવવા નીકળ્યો હતો. દરમિયાન અંકલેશ્વર નજીક આવેલી આમલાખાડીના બ્રિજ ઉપરથી વહેલી સવારે પસાર થતાં કોઈ કારણોસર ડમ્પરમાં આગ લાગી હતી. જેની જાણ ડમ્પર ચાલકને થતાં રોડ સાઈડ ઉપર ડમ્પર થોભાવી દીધું હતું. ડમ્પરમાં કોલસા ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાતાં આખું ડમ્પર આગની લપેટામાં આવી ગયું હતું. ડમ્પર ચાલકે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરતાં સ્થળ ઉપર દોડી આવેલા ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે ડમ્પર સંપૂર્ણ પણે બળીને ખાક થઈ ગયું હતું. જ્યારે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નહોતી. ડમ્પરમાં લાગેલી આગને પગલે હાઈવે ઉપર વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં આગ ઓલવાતાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો.