(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૫
મોરબી બી-ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા ચેતનભાઈએ અનોખી મિશાલ કાયમ કરી છે. આજના કોમવાદ ભર્યા જમાનામાં ધર્મના નામે લડતા જોવા મળે છે અને જ્ઞાતિ તેમજ અન્ય ધર્મ વચ્ચે ઘર્ષણના સમાચારો ટીવી ન્યુઝના માધ્યમોમાં ચમકતા રહે છે ત્યારે સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરતો કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે. જેમાં મોરબી બી-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ જવાને પવિત્ર રમઝાન માસમાં રોઝા રહીને કોમી એખલાસ અને હિંન્દુ-મુસ્લિમ એકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે મુળ રાજકોટના વતની અને છેલ્લા સાત વર્ષથી મોરબી જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ કડવાતર હાલ બી-ડિવિઝન પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. ચેતનભાઈ પોતે હિન્દુ હોવા છતાં પવિત્ર રમઝાન માસમાં રોઝા રહી આખા રમઝાન માસમાં અલ્લાહ તાલ્લા કે ભગવાનની બંદગી કે ઈબાદત જે કહો તે કરી રહ્યા છે ત્યારે અહી પેલી ઉક્તિ પણ સાર્થક થતી જોવા મળે છે કે, નાતી-જાતી પુછે ના કોઈ હરી કો ભજે સૌ હરી કા હોઈ તેમ ચેતનભાઈ કડવાતર છેલ્લા ત્રણ વર્ષથી પવિત્ર રમઝાન માસના રોઝા રહી બંદગી કરી રહ્યા છે તે ઉપરાંત તેઓ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે તો નવરાત્રીના નવલા નોરતામાં પણ ઉપવાસ કરીને માતાજીની આરાધના કરતા હોય છે. આજે ધર્મના નામે ભાગલા પાડવાની રાજનીતિ હાવી થઈ જઈ હોય તેમ જોવા મળે છે ત્યારે દરેક ધર્મને સદભાવથી જોવાનો વખત આવી ગયો છે અને ચેતનભાઈ જેવા પોલીસ જવાન ધર્મ કે જાતિના નામે લડતા લોકોને એક સુંદર સંદેશ આપી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયી છે સર્વધર્મ સમભાવ જેવી ભાવનાની માત્ર વાતો કરવાને બદલે ખરેખર આવા પ્રયાસો કરવામાં આવે તો કોમી એખલાસનું વાતાવરણ સર્જી શકાય તેમા શંકાને કોઈ સ્થાન નથી જે એક પોલીસ જવાન કરી રહ્યા છે તે હિંન્દુ મુસ્લિમ એકતાનુ પ્રતિક બન્યા.