(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
ફતેપુરા કુંભારવાડાના ગણપતિની સવારીમાં સામેલ યુવકોએ મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે અને તોફાનો સર્જાય એ માટે ગંદી ગાળો ભાંડતા તેનો એક વીડિયો વોટસએપ ઉપર વાયરલ થયો હતો. આમ છતાં, ડી.જે.ના તાલે નાચી રહેલાં યુવકોની મેલી મુરાદ બર આવી ન હતી. આ અંગે એક અગ્રણીએ વારસિયા પોલીસ મથકે લેખિતમાં આપી ગાળો ભાંડનાર શખ્સો સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી છે. વારસિયા તળાવ પાસે મદાર મહોલ્લામાં રહેતા મુસ્લિમ આગેવાન સમાજ સેવક શૌકત ઈન્દોરીએ વારસિયા પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું છે કે, કુંભારવાડાનાં ગણપતિની સવારીમાં શ્રી ગણેશ બાળયુવક મંડળ અને તેના આયોજકો અને સભ્યો સહિત ડીજે સોનુ અને રિષી લાઈટ્‌સ સહિતનાં શખ્સો ગણપતિની સવારીમાં સામેલ હતા. ડીજેના તાલે તેઓ નાચ કરી રહ્યા હતા. પોલીસ અધિકારીઓની હાજરીમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા બિભત્સ શબ્દોચ્ચાર કર્યા હતા. આ વીડિયો વોટસએપ ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. જેથી શહેરમાં ઉશ્કેરાટ ફેલાય. આ અરજી સાથે વીડિયો સામેલ કરેલો છે. ૨૩મી ઓગસ્ટના રોજ ફેસબુક ઉપર રીતેષ કનોજિયા એ એક પોસ્ટ કરેલી છે. આ પોસ્ટમાં મત ડરો અંધેરો સે, અબ ભોર હોને વાલા હૈ. ગર્જના સુન રહે હો, અબ કુંભારવાડા કા ગણરાજા જો આનેવાલા હૈ. જલ રહે હૈ દુશ્મન ક્યો કી ઈનકા ઈલાકા હિલનેવાલા હૈ…ઉપરોક્ત પોસ્ટમાં કુંભારવાડમાં રહેતા મુસ્લિમોને દુશ્મન તરીકે દર્શાવી ધાર્મિક ઉશ્કેરણી ફેલાવવા ગુનાહિત કૃત્ય કર્યું છે.