(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
લોકસભામાં કાલે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જ્યારે અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી સાથે ગળે મળી પોતાની બેઠક પર પરત ફર્યા ત્યારે તેમનું આંખ મારવું મિનિટોમાં વાયરલ થઈ ગયું. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને રાહુલ ગાંધીના આ વ્યવહાર બદલ તેમને સૂચન આપ્યું પરંતુ જો લોકસભાની કાર્યવાહીનો વીડિયો ધ્યાનથી જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીનો આશય વડાપ્રધાન મોદીને અપમાનિત કરવાનો ન હતો. રાહુલ ગાંધી જ્યારે વડાપ્રધાન સાથે ગળે મળી પોતાની જગ્યાએ પરત ફર્યા ત્યારે તેમનાથી થોડાક અંતરે બેઠેલા કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમને સકારાત્મક પ્રતિક તરીકે અંગૂઠો બતાવ્યો અને અભિનંદન આપ્યા. તેના જવાબમાં રાહુલ ગાંધીએ તેમને સ્મિત આપી આંખ મારી. બોડી લેંગ્વેજ એકસપર્ટનું કહેવું છે કે, મિત્રો વચ્ચે આ પ્રકારના સંબંધ સ્વાભાવિક છે. આવું કરી રાહુલ ગાંધી વડાપ્રધાન અંગે કોઈ ટિપ્પણી ન કરી રહ્યા હતા પરંતુ તેમનો ઉદ્દેશ્ય એવો હતો કે તેમનું મિશન સફળ રહ્યું. વિશેષજ્ઞો અનુસાર તેમના હાવભાવમાં મજાકિયો અંદાજ ચોક્કસ હતો પરંતુ કોઈને અપમાનિત કરવાનો ઈરાદો ન હતો. આના દ્વારા એ પણ જાણવા મળે છે કે, ભાષણ દરમિયાન કે વડાપ્રધાનને ભેટવા સમયે રાહુલ ગાંધી પણ કોઈ દબાણ ન હતું. તેઓ તાણમુક્ત હતા. આવા પ્રસંગે તે તણાવમાં આવી શકત, ખાસ કરીને ત્યારે જ્યારે તેમના કહેવા પર પણ વડાપ્રધાન ન ઊઠયા. પરંતુ એવી સ્થિતિમાં પણ રાહુલે ત્વરિત નિર્ણય લીધો અને ઝૂકીને વડાપ્રધાનને ભેટી ગયા. વડાપ્રધાન ઊભા ન થયા એ મુદ્દે વિશેષજ્ઞોએ કહ્યું કે આ વ્યવહાર પણ સ્વાભાવિક હતો. રાહુલ ગાંધીનો વ્યવહાર એટલો અકલ્પનિય હતો કે કોઈ પણ દંગ રહી જાય. મોદીએ વિચાર્યું હશે કે રાહુલ ગાંધી ઊભા થઈ તેમની સાથે હાથ મિલાવવા આવ્યા હશે. જ્યારે રાહુલ ગાંધીએ તેમને ઊભા થવા કહ્યું ત્યારે તેમને ખબર ન પડી કે શું થઈ રહ્યું છે. સરવાળે આ પહેલ એક સ્વસ્થ પગલું ગણી શકાય. જો કે, સદનની પોતાની ગરિમા હોય છે જે જાળવવી જરૂરી છે અને તેથી જ લોકસભા અધ્યક્ષે રાહુલને ઠપકો આપ્યો હતો.