(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
પાટીદાર અગ્રણી અને અનામત આંદોલનના પ્રણેતા એવા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈ આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે હાર્દિક પટેલની મુલાકાત લીધી ત્યારે તેમણે આપેલું નિવેદન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપ માટે અકળાવનારું બની રહે તેમ છે. કોંગ્રેસના મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાતા તેને પગલે રાજીવ સાતવે કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીને પાઠ ભણાવવા અથવા તો સાઈડલાઈન કરવા માટે જીવાભાઈને ભાજપમાં લીધા છે.
રાજીવ સાતવે કહ્યું હતું કે, ભાજપમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે જે સંઘર્ષ છે. તેને લઈને નાયબ મુખ્યમંત્રીને સાઇડ લાઇન કરવા આ દાવ અપનાવ્યો છે. તેનાથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસ યુક્ત ભાજપ ક્યારે થઈ ગઈ તે તેમને પણ ખબર નથી પડી રહી. તેઓ સરકાર ચલાવી નથી શકતા એટલે તેમને અમારી પાર્ટીમાંથી કોઈને કોઈ નેતાઓને લેવા પડે છે. પરંતુ તમે ઇતિહાસ જોઈ લો, ભાજપે જેને-જેને લીધા છે, તેને જનતાએ નકાર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ૨૦ જૂનના રોજ પાર્ટીમાંથી રાજીનામું આપનારા પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે દિલ્હી ખાતે મંત્રી જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે એક પછી એક ગુજરાતમાંથી રાજીનામા પડી રહ્યા છે, પહેલા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો સાથ છોડ્યો તો હવે જીવાભાઈ પણ ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે.
૨૦૦૪મા જીવાભાઈ પટેલ મહેસાણાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ ૨૦૧૪મા તેઓ જયશ્રી પટેલ સામે હારી ગયા હતા. છેલ્લે તેઓ ૨૦૧૭મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૯ની ચૂંટણી નજીક છે એવામાં જીવાભાઈ કોંગ્રેસ માટે ગુજરાતમાં માથાનો દુખાવો બની શકે છે. ભાજપનો ખેંસ ધારણ કર્યા બાદ જીવાભાઈએ જણાવ્યું હતું કે, આજે હું ભાજપમાં જોડાયો છું, તેના ઘણા કારણો છે. કારણ કે ઁસ્ નરેન્દ્ર મોદી અમારા જિલ્લાના છે અને કામમાં તેઓ કેટલા પાવરફૂલ છે, તે પણ અમે જાણીએ છીએ.