(એજન્સી) તહેરાન, તા.ર૪
ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોથી વધેલા તણાવની વચ્ચે હવે ઈરાને એક નવી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. અમેરિકાની ચેતવણીની અવગણના કરીને ઈરાને આ પગલું ભર્યું છે. એવામાં તહેરાનની આ કાર્યવાહીને સીધી રીતે અમેરિકા માટે પડકાર માનવામાં આવી રહી છે. હકીકતમાં ટ્રમ્પે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં સામેલ લોકો અથવા ઈરાનની સાથે વેપાર કરનારા લોકોને દંડ ફટકારવાની જોગવાઈવાળા એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ઈરાનના એક સરકારી ટેલિવિઝન પર મિસાઈલ પરીક્ષણની કેટલીક તસવીરોને પ્રસારિત કરવામાં આવી છે.
એક દિવસ પહેલાં જ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને ફ્રાન્સની ટીકાઓ છતાંય પોતાની બેલેસ્ટિક મિસાઈલ ક્ષમતાઓને વધારશે. ઈરાક-ઈરાન યુદ્ધ શરૂ થવાની તિથિ પર રૂહાનીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ભલે તમે પસંદ કરો કે નહીં, અમે અમારી સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવા જઈ રહ્યા છીએ જે બચાવ કરવા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે અમે માત્ર અમારી મિસાઈલ ક્ષમતાઓને જ નહીં, પરંતુ હવાઈ, જમીની અને સમુદ્રી દળોને પણ શક્તિશાળી બનાવીશું જ્યારે પોતાના દેશની રક્ષાની વાત આવે છે તો અમારે કોઈની પણ પરવાનગી લેવાની જરૂર નથી. ઈરાન અને વિશ્વની મોટી તાકાતોની વચ્ચે ર૦૧પમાં પરમાણુ કરાર પર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની ટીકા હવે ઈરાનના મિસાઈલ કાર્યક્રમ પર કેન્દ્રિત થઈ ગઈ છે. એવામાં ઈરાને કહ્યું છે કે કરારની શરતો હેઠળ મિસાઈલો સંપૂર્ણ રીતે કાયદેસરની છે, કારણ કે પરમાણુ હથિયાર લઈ જવાના હિસાબે તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી નથી. તો બીજી તરફ અમેરિકાના જણાવ્યા અનુસાર ઈરાને કરારની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે કારણ કે મિસાઈલો પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. અમેરિકાના આ વલણને ફ્રાન્સનું સમર્થન મળ્યું છે. શુક્રવારે ઈરાને ર,૦૦૦ કિ.મી. સુધી પ્રહાર કરવામાં સક્ષમ પોતાની નવી બેલેસ્ટિક મિસાઈલને લોન્ચ કરી હતી જે ઈઝરાયેલ સહિત પશ્ચિમ એશિયાના મોટાભાગના વિસ્તારોમાં પહોંચવામાં સક્ષમ છે. તહેરાનમાં શુક્રવારે એક સૈન્ય પરેડ દરમ્યાન આ મિસાઈલ લોન્ચ કરવામાં આવી. ચીફ ઓફ ધ ગાર્ડના એરસ્પેસ ડિવિઝનના પ્રમુખ જનરલ આમિર અલી હાજીજાદેહના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે નવી મિસાઈલો જુદા જુદા હેતુઓ માટે ઘણા શસ્ત્રોને લઈ જવામાં સક્ષમ છે.