(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૧૭
ભૂજ સ્વામી નારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થનીઓ સાથે માસિક ધર્મને લઈને થયેલી હીનચેષ્ટાથી ચકચારી બનેલા પ્રકરણમાં વધુ એક નવો વિવાદ છેડાયો છે. ભૂજના સ્વામીનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામી નામના સંતનો વીડિયો વાયરલ થયો છે જેમાં આ સંત જણાવી રહ્યા છે કે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે બનેલી રસોઈ આરોગવાથી કૂતરા કે બળદનો અવતાર આવે છે. આવી સ્ત્રીના હાથે બનેલી રસોઈ ખાવાથી પાપ લાગે. એક તરફ સ્વામી નારાયણ મંદિર સંચાલિત સહજાનંદ હોસ્ટેલના માસિક ધર્મને લઈને નિયમો અત્યારે ચર્ચામાં છે ત્યારે જ આ મંદિરના એક સંતનો વીડિયો વાયરલ થયા બાદ માસિક ધર્મને મુદ્દે રૂઢિગત માન્યતાઓ અંગે આ સંપ્રદાયના વિચારોથી લોકોમાં ચર્ચા જાગી છે કે આધુનિક યુગમાં આ સંપ્રદાયના રૂઢિગત વિચારો કેટલે અંશે યોગ્ય છે. જો કે ભૂજ સ્વામી નારાયણ મંદિરના આ સ્વામીનો વીડિયો ક્યારનો અને કેટલો જૂનો છે તે અંગે હજી કોઈ વિગતો બહાર આવી નથી પરંતુ કોઈ કથા કે કોઈ અન્ય પ્રસંગમાં સ્વામી આ પ્રકારનું બયાન આપતા હોય તેવું વીડિયોમાં જણાય છે. અને સ્પષ્ટ સંભળાય છે કે માસિક ધર્મમાં સ્ત્રીના હાથેે બનેલી રસોઈ આરોગવી અધર્મ છે !