(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
રાજ્યમાં મેઘરાજાએ ગુરૂવારે સવારે પૂરા થતા ર૪ કલાકમાં ૧૬૯ તાલુકામાં હેત વરસાવ્યું હતું. ઉપરાંત ગુરૂવારે દિવસ દરમિયાન ૩૮ તાલુકામાં ઝરમરથી ૧ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. વરસાદના નવા રાઉન્ડમાં કચ્છ જિલ્લા પર મહેરબાની કરતા હોય તેમ મેઘરાજાએ ભૂજમાં ધોધમાર ૭ ઈંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે ભચાઉમાં ત્રણ ઈંચ તેમજ સૌરાષ્ટ્રના ઘોઘામાં ત્રણ, ઉપલેટામાં અઢી અને ધ્રાંગધ્રા, કાલાવડ, માણાવદર વગેરેમાં ર ઈંચ વરસાદ પડ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૨ જિલ્લાના ૧૬૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આ સાથે રાજ્યમાં આજ સુધીમાં ચોમાસાની સીઝનનો ૯૪.૮૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છના ભૂજમાં સાત ઈંચ ઉપરાંત ભચાઉમાં ૩ ઈંચ, અંજારમાં સવા ઈંચ, લખપત, મુંદરા, નખત્રાણામાં ૧ ઈંચ, રાપર અને અબડાસામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ચોટીલામાં ૧૩ મીમી, ચુડામાં ૩૬ મીમી, ધ્રાંગધ્રામાં ૫૩ મીમી, લખતરમાં ૨૦ મીમી, લીમડીમાં ૩૨ મીમી, મુડીમાં ૧૭ મીમી, સાયલામાં ૧૨ મીમી, થાનગઢમાં ૫ મીમી, વઢવાણમાં ૨૬ મીમી, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૨૭ મીમી, જસદણમાં ૭ મીમી, પડધરીમાં ૬ મીમી, રાજકોટ શહેરમાં ૧૭ મીમી, ઉપલેટામાં ૬૦ મીમી, મોરબીના હળવદમાં ૨૬ મીમી, મોરબી શહેરમાં ૭ મીમી, જામનગરના ઝાલાવડમાં ૫૪ મીમી, જામનગર શહેરમાં ૩૦ મીમી, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૪૨ મીમી, કેશોદમાં ૧૬ મીમી, જૂનાગઢમાં ૧૩ મીમી, ગીર-સોમનાથના તાલાલામાં ૩૫ મીમી, કોડીનારમાં ૧૨ મીમી, અમરેલી જિલ્લાના લાઠીમાં ૨૩ મીમી, બાબરામાં ૧૨ મીમી, સાવરકુંડલામાં ૧૨ મીમી, ભાવનગર જિલ્લાનાં ઘોઘામાં ૭૨ મીમી, જેસરમાં ૧૫ મીમી, તળાજામાં ૯ મીમી, સિંહોરમાં ૧૦ મીમી, ગારિયાધારમાં ૯ મીમી જ્યારે બોટાદના ગઢડામાં ૨૧ મીમી વરસાદ પડ્યો હતો.
ઉતર ગુજરાતમાં પણ મેઘરાજાએ બુધવારે હેત વરસાવ્યું હતું જેમાં પાટણના હારીજમાં સાડા ચાર ઈંચ, સામીમાં અઢી ઈંચ, ચાણસમાં ૨ ઈંચ, બનાસકાંઠાનાં ધનેરામાં સવા ઈંચ, મહેસાણાના બેચરાજીમાં ૨ ઈંચ, જોટાણામાં દોઢ ઈંચ, કડી, મહેસાણામાં ૧ ઈંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૧ ઈંચ, વિજયનગરમાં ૧ ઈંચ, ગાંધીનગરનાં દેહગામમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. પૂર્વ-મધ્ય ગુજરાતમાં દેત્રોજમાં ૨ ઈંચ, ધોળકામાં અઢી ઈંચ, દસક્રોઈમાં ૧ ઈંચ, પંચમહાલના શહેરામાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. દરમિયાન આજે સવારથી રાજ્યના ૩૮ તાલુકામાં વરસેલા વરસાદમાં નોધપાત્ર જોઈએ તો આણંદમાં ૧ ઈંચ, સુત્રાપાડા અને લખપતમાં પોણો ઈંચ, શિહોર, અબડાસા વગેરેમાં અડધો ઈંચ જ્યારે અન્યત્ર ઝરમરથી હળવા ઝાપટાં પડ્યા હતા.