ભૂજ, તા.૭
કચ્છના દરિયાઈ વિસ્તારમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને કચ્છના દરિયામાં ઘૂસી આવેલી પાક.ની. ર૧ માછીમાર બોટ પકડાઈ હોવાનો પ્રથમ કિસ્સો કચ્છના ઈતિહાસમાં નોંધાવા પામ્યો છે. કચ્છના હરામીનાળા નજીકના દરિયાઈ વિસ્તારમાંથી ગતરોજ ૩ પાક. બોટ અને બે પાકિસ્તાની નાગરિકો સીમા સુરક્ષા દળ દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ આ દરિયાઈ વિસ્તારમાં સીમા દળ દ્વારા રાત્રીના ભાગે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તા.૬/૯ની રાત્રે ૧૧થી ૧ર વાગ્યાના અરસામાં આ વિસ્તારમાંથી એક સાથે ૧૪ પાક. માછીમાર બોટ સાથે વધુ ત્રણ પાક. માછીમારોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ સર્ચ ઓપરેશન તા.૭/૯ની સવારે પણ ચાલુ રાખવામાં આવતાં થોડા અંતરેથી વધુ ૪ પાક. બોટ બિનવારસી મળી આવતા સીમા દળ દ્વારા કબજે લેવામાં આવી હતી. રાત્રીના ભાગે પકડાયેલ અન્ય ત્રણ પાક. માછીમારો ૧.યુસુફ, ર. શહેઝાદ, ૩. ઈમામ નામના ત્રણેય યુવાન પાક. નાગરિકો પાક.ના જતી ગામના રહેવાસી છે. ભારત-પાક.ની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદથી જતી ગામ ૪૦ કિલોમીટર અંતરે આવેલું છે. સીમા સુરક્ષા દળ દ્વારા હજુ પણ આ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. બીજી તરફ જ્યાંથી આ પાક. બોટો પકડાઈ છે ત્યાં સીમા સુરક્ષા દળની ૭૯મી બટાલિયન તૈનાત છે. સીમા દળના અધિકારીઓની માહિતી અનુસાર રાત્રીના અંધકારમાં પાક. માછીમારોને પકડવા માટે પાંચ રાઉન્ડ ગોળીબાર પણ કરવામાં આવ્યા હતા. ગોળીબાર બાદ ત્રણ પાક. માછીમારો હાથ આવ્યા હતા જ્યારે અન્ય રપ જેટલા પાક. માછીમારો પોતાની બોટ છોડીને પગપાળા પરત પાક.ની સીમામાં ઘૂસીને નાસી છૂટયા હતા. કચ્છના ઈતિહાસમાં માત્ર ર૪ કલાકમાં ર૧ પાક. માછીમાર બોટ પકડાઈ હોવાનો આ પ્રથમ કિસ્સો છે. પકડાયેલ તમામ બોટમાંથી માછલી પકડવાની જાળી, આઈસ બોક્સ, પીવાના પાણીના કેન સહિતનો સામાન મળ્યો છે. તમામ પકડાયેલ બોટને કોટેશ્વરના દરિયાકાંઠે લાવી કસ્ટમ વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.