ભૂજ,તા.૪
ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે કચ્છના માંડવી બંદરે દરિયા કિનારે પ્રથમવાર એક માસ માટેનો ‘બીચ ફેસ્ટિવલ’ યોજવામાં આવેલ છે. તેના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ફિયાસ્કો થતા આ કાર્યક્રમ સફળ થશે કે કેમ ! તે અંગે શંકાઓ સેવાઈ રહી છે.
ઉદ્‌ઘાટન કાર્યક્રમ નિર્ધારિત સમય બાદ દોઢ કલાક જેટલા અંતરે શરૂ થયો હતો. તેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટર, ઓમંત્રક નિગમના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવન આઈએએસ તેમજ કચ્છના કલેક્ટર રમ્યા મોહન આઈએએસ પણ પધાર્યા ન હતા. પધારેલ મહેમાનોનું સ્ટેજ પર ફુલોના હારથી સ્વાગત કરાયા બાદ સ્ટેજ પરની ગણેશ દેવની મૂર્તિની પૂજાવિધિ કરીને કાર્યક્રમના ભાગરૂપે સાંસ્કૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય તારાવંદ છેડા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન, માંડવી નગરપાલિકા પ્રમુખ સુજાતા ભયાણી તેમજ અન્ય સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે માંડવીના ધારસભ્યએ જણાવ્યું હતું કે, કચ્છમાં છેલ્લા દાયકાના પ્રવાસનનો વિકાસ થતો રહ્યો છે. આ એક માસનો ‘બીચ ફેસ્ટિવલ’ શરૂ થયો છે. જેમાં વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવવામાં આવે છે.