(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાહત સમિતિની બેઠક ડીસા જૈન દેરાસર ખાતે મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્ય સરકાર સમક્ષ માગણી કરતા જણાવ્યું હતું કે જે રીતે કચ્છમાં ટેક્સની માફી આપી હતી તે જ રીતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ગામોને સંપૂર્ણપણે ટેક્સમાંથી માફી આપવામાં આવે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ ડીસા, જૈન દેરાસર ખાતે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ જનોએ મોકલાવેલ રાહત સામગ્રીનું સુનિયોજિત વિતરણ થાય તે માટે મળેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. પૂરની સાચી પરિસ્થિતિની ભાળ મેળવી હજુ કયા કયા ગામમાં ખાસ જરૂર છે તેની નોંધ લઈને જરૂરી સૂચનો કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી લોકો પાસેથી એકઠી કરેલી સામગ્રીનું વિતરણ સુયોજિત રીતે થાય તેની ચોક્સાઈ કરવામાં આવી હતી. આ બેઠકમાં, મુખ્ય રજૂઆતો એ હતી કે સામાજિક અને સરકારી સહાય માત્ર મુખ્ય ગામ સુધી જ પહોંચી છે. અંતરિયાળ ગામો સુધી સહાય મળી નથી, હજુ ઘણા ગામો પાણીથી ઘેરાયેલા છે, હજુ ગામોમાં સરકારી કેશડોલ મળેલ નથી, લોકોની મુખ્ય સમસ્યા દુધાળા અને પાલતું જાનવરના મૃત્યુ થયા પછી ઉદ્‌ભવેલી પરિસ્થિતિનો છે, પોસ્ટમોર્ટમ કર્યા વગર સરકારી સહાય મળે તેમ નથી, રોગચાળો ફેલાવાની શક્યતા છે, જમીન ધોવાણનો મુખ્ય પ્રશ્ન છે. આ રીતની અનેક મુખ્ય રજૂઆતો થઈ હતી. ભરતસિંહે જણાવ્યું હતું કે ઘરવખરી ઢોરઢાંખર અને ધ્વસ્ત થયેલ મકાનો માટે તાત્કાલિક સહાય આપવામાં આવે, સર્વે કરવામાં આવે. ગ્રામ પંચાયતને સત્તા આપવામાં આવે, જુદા જુદા નિયમો આગળ કરીને લોકોને હેરાન ન કરે તે જોવા વિનંતી કરી હતી, મોટા ઉદ્યોગપતિઓને સહાય કરતી સરકાર ખરેખર પ્રજાને રાહત આપવા માગતી હોય તો માનવીય અભિગમ અપનાવીને કામ કરે.