(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
ચૂંટણીમાં મતગણતરી માટે વપરાતા ઈવીએમમાં ગેરરીતિ થતી હોવાની કે ચેડાં થતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી આવી છે. ઈવીએમની વિશ્વસનીયતા પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આજરોજ પણ થયેલી મતગણતરીમાં અનેક સ્થળોએ ઈવીએમના સીલ તુટેલા હોવાની અને ઈવીએમમાં મતો પડ્યા હતા તેના કરતા વધુ મતા નિકળ્યા હોવાની ફરિયાદો જે તે ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. ઈવીએમમાં ગરબડ થઈ શકતી હોવાની વાત અગાઉ અનેક નિષ્ણાંતો કરી ચૂક્યા છે. શરૂઆતમાં ૧૦૦ વોટ જેને આપો તેને જ પડે, ત્યારબાદ અમુક ટકા મતો એકતરફી પડે તેવી ગોઠવણ કરી શકાય છે તથા ઈવીએમમાં અગાઉથી અમુક ટકા મત નાખી દેવામાં આવે જેથી ગણતરી વખતે એટલા વોટ ઉમેદવારને વધુ મળે આમ જે તે ઉમેદવાર જીતી જાય. આ શંકાઓ આજના પરિણામ બાદથી વધુ પ્રબળ બને છે.
સૌ પ્રથમ તો ભૂજ બેઠક પર ર૭ ઈવીએમના સીલ ખુલ્લા હોવાની ફરિયાદ કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીએ કરી હતી પરંતુ તેમની ફરિયાદ ધ્યાને લેવાઈ ન હતી. ઉપરાંત નરોડા બેઠક પર ૬ ઈવીએમના સીલ ખુલ્લા હોવાની ફરિયાદ કરી કોંગ્રેસ અને શિવસેનાના એજનટોએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમના વિરોધને ધ્યાને ન લેવાતા તેઓએ બહિષ્કાર કર્યો હતો. જ્યારે સૌથી ચોંકાવનારી બાબત સુરતના વેડરોડ અને સિંગણપોર બેઠકના ઈવીએમ મશીનમાં બહાર આવી હતી. વેડરોડ બેઠક પર એક બુથ પર ૧૧૯૯ મત પડ્યા હતા. પરંતુ ગણતરી બાદ ઈવીએમમાંથી ૧૭૭૬ મત નીકળ્યા. કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ નોંધાવી હતી. એક રીતે સિંગણપોર બેઠકના એક બુથ પર ઈવીએમમાં ૧૩ર૭ મત પડ્યા હતા. જ્યારે મતગણતરી કરતા ૧૩૯૭ મત નીકળ્યા હતા. જ્યાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા આથી ઈવીએમમાં અગાઉથી મતો પડ્યા હોવાની શંકા પ્રબળ બની હતી. આ ગેરરીતિઓ તો જ્યાં ફરિયાદો થઈ ત્યાં જ બહાર આવી હતી. પરંતુ જ્યાં ફરિયાદો થઈ નથી ત્યાં ઈવીએમમાં કેટલા મતો અગાઉથી નાખી ઉમેદવારોને જીતાડાયા હશે તે મુંઝવતો પ્રશ્ન છે અને ચૂંટણી પંચની વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થો ઊભા કરે છે.