(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨ર
નવસારી બજાર નજીક જાહેર શૌચાલયની અંદર ઈરફાન ઉર્ફે બાંડિયા નામના માથાભારે શખ્સ પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતાં ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની તબિયત ગંભીર હોવાનું સ્થાનિક વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવસારી બજાર પાલવાડી સ્થિત રહેતા ઇરફાન ઉર્ફે બાંડિયા મોહમદ મિયાં (ઉ.વ.૪ર) આજે સવારે નવસારીબજાર મેઈન રોડ પર આવેલા જાહેર શૌચાલય નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ-ચાર શખ્સોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા ઉપરી ઘા ઝીંકીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. તેના પગ અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારથી ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. લોહીથી લથપથ બાંડિયાને સ્થાનિકોએ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની તબિયત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. અનિલ કાંઠી ગેંગ સાથે સંકળાયેલા ઈરફાને જે તે સમયે મનિષ સિંધિયા પર હુમલો કર્યો હતો ત્યારબાદથી લાઈમ લાઈટમાં આવેલો ઈરફાન ઉપર નવસારી બજાર વિસ્તારના ગરીબ લારીધારકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવવા, મફતમાં નાસ્તો કરીને દાદાગીરી કરવાના અનેક ગુના નોંધાયેલા છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઈરફાન પર કોણે હુમલો કર્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ પોલીસે હિસ્ટ્રીશીટરોની તપાસ હાથ ધરી છે.