લખનૌ,તા.૧૪
પ્રયાગરાજમાં મંગળવારથી શરૂ થતા કુંભના મેળામાં સોમવારે સિલિન્ડર ફાટતા સેક્ટર ૧૭ સ્થિત દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી હતી અને તેજ પવનને કારણે અન્ય ડઝનબંધ ટેન્ટ પણ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ મુજબ પ્રસાદ વિતરણ સમયે સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. જ્યારે કેટલાક સાધુઓએ જણાવ્યું કે સાધુ-સંતો દ્વારા પ્રજ્વલિત દીપકને કારણે ટેન્ટમાં આગ લાગી હતી. આ મામલે તપાસ ચાલું છે. કુંભ પ્રશાસનના માહિતી નિર્દેશક શિશિરે જણાવ્યું કે ટેન્ટની બહાર ભોજન બનાવતા સમયે સિલિન્ડર ફાટવાને કારણે આ ઘટના બની હતી અને તેજ પવનને કારણે આગ ફેલાતા અન્ય ટેન્ટ પણ સળગી ઉઠ્યા હતા. તેમણે આ સમગ્ર ઘટનાને બેદરકારી ગણાવી હતી. નિર્દેશક શિશિરે જણાવ્યું કે, આ ઘટના બાદ તમામને સચેત કરી દેવાયા છે અને કુંભમાં તમામ લોકો સુરક્ષિત હોવાની ખાતરી આપી છે.