(એજન્સી) હોગ, તા.૧૯
પાકિસ્તાને આજે નેધરલેન્ડની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવના કેસ સંદર્ભે ભારત દ્વારા કરાયેલ દલીલ સામે જવાબ રજૂ કર્યો હતો. એમણે ભારપૂર્વક કહ્યું કે, જાધવ એક જાસૂસ હતો નહીં કે ધંધાર્થી. પાકિસ્તાનના વકીલ ખાવર કુરૈશીએ કહ્યું કે, ‘હું દુઃખ સાથે જણાવું છું કે, ભારતે સમગ્ર ન્યાયીક પ્રક્રિયા દરમિયાન અવિશ્વાસ દર્શાવ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદામાં “વિશ્વાસ રાખવું” એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ભારત પાકિસ્તાનને ઓળખતો નથી. પાકિસ્તાન એવો દેશ છે. જેમણે દુનિયામાં શાંતિની સ્થાપના માટે ઘણા જ પ્રસંગોએ પોતાના સૈનિકો મોકલ્યા છે અને એ શહીદ પણ થયા હતા. ભારતનું વર્તન પ્રક્રિયાનો દુરૂપયોગ છે. ભારતે પોતાની પ્રક્રિયા ફક્ત રાજકીય લાભ લેવા માટે જ કરી છે. કુરૈશીએ એ પણ આક્ષેપ મૂકયો કે, જાધવ ભારતની ત્રાસવાદની અધિકૃત નીતિનો એક સાધન હતો. સુનાવણીનો આજે બીજો દિવસ હતો. ગઈકાલે ભારતે દલીલો કરી હતી અને જાધવને મુક્ત કરવા માગણી કરી હતી. એમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની મિલીટરી કોર્ટે ખોટી રીતે ટ્રાયલ ચલાવી ફાંસીની સજા ફટકારી છે. ટ્રાયલમાં કોઈ પણ કાયદાકીય પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવ્યું ન હતું. ભારતીય નાગરિક જાધવને પાકિસ્તાનની લશ્કરી કોર્ટે જાસૂસીના આક્ષેપ બદલ એપ્રિલ-ર૦૧૭માં ફાંસીની સજા આપી હતી. જેની સામે ભારતે આઈસીજેમાં અપીલ કરી હતી. જેના પગલે આઈસીજેએ સજા ઉપર મનાઈ હુકમ આપ્યો હતો. આવતીકાલે ભારત ફરી પોતાની દલીલો આજની દલીલોના અનુસંધાને રજૂ કરશે અને ર૧મી તારીખે પાકિસ્તાન દલીલો પૂર્ણ કરશે. ભારત અને પાકિસ્તાને લેખિતમાં વિસ્તૃત રજૂઆતો આ પહેલાં જ કરી છે.