ઇસ્લામાબાદ,તા.૧૭
પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતના કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બીજી વખત નિવેદન નોંધાવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ પાક. તેના બીજા નિવેદન રૂપે ૪૦૦ પાનાની એફિડેવિટ નોંધાવી શકે છે. કથિત જાસૂસીના કેસમાં જાધવ હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાક.ની સૈન્ય કોર્ટે જાધવને આતંકવાદનો દોષિ ઠેરવતા તેને ફાંસની સજા કરી હતી.
આઈસીજેએ ગત ૨૩ જાન્યુઆરીના ભારત અને પાકિસ્તાનને આ મુદ્દે બીજી વખત નિવેદનો નોંધાવવા આદેશ કર્યો હતો. ભારતે પોતાના પ્રથમ નિવેદનમાં જાધવને નિર્દોષ ગણાવતા ન્યાય અપાવવા માંગ કરી હતી. પાકિસ્તાન આ કેસમાં બીજી વખત નિવેદન નોંધાવવાની તૈયારી કરી રહ્યું છે.
આઈસીજેમાં રજૂ કરવાના બીજા નિવેદનનો મુસદ્દો એટર્ની ખ્વાર કુરેશીએ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજું નિવેદન નોંધાવ્યા બાદ આઈસીજે સુનાવણીની તારીખ જાહેર કરશે. જો કે આ કેસમાં હવે ૨૦૧૯માં જ સુનાવણી થવાની સંભાવના રહેલી છે.
આંતરાષ્ટ્રીય કેસની જાણકારી રાખતા વરિષ્ઠ વકીલે જણાવ્યા મુજબ આ વર્ષે જાધવ મામલે સુનાવણી થવી મુશ્કેલ છે. આગામી વર્ષે માર્ચે- એપ્રિલ સુધી કેસોની તારીખ ફાળવવમાં આવી છે. આ માટે ૨૦૧૯માં ઉનાળા પછી આ કેસ આઈસીજેમાં સુનાવણી માટે આવી શકે છે.
પાકિસ્તાની સૈન્ય કોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસી અને આતંકવાદના આક્ષેપમાં ફાંસીની સજા ફટકારી હતી. ભારતે ગત વર્ષે મેમાં આઈસીજેમાં અપીલ કરી હતી. ૧૮મેના આઈસીજેમાં ૧૦ જજોએ પાકિસ્તાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી કેસની સુનાવણી પૂર્ણ ના થાય ત્યાં સુધી જાધવને ફાંસીનો અમલ કરવો નહીં. આઈસીજેમાં ભારતે અપીલ દાખલ કરી છે તેમાં આક્ષેપ કર્યો છે કે કુલભૂષમ જાધવને રાજદ્વારી સંપર્ક નહીં આપીને પાકે. વિએના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે, વિએના સંધિમાં એવું ક્યાંય નથી લખ્યું કે જાસૂસીના કેસમાં ઝડપાયેલા કોઈ વ્યક્તિને રાજદ્વારી સંપર્ક સેવા ના આપી શકાય.
ભારતની દલીલો બાદ પાક. સરકારે કુલભૂષણ જાધવની પત્ની અને માતાને મળવા માટે સહમતિ આપી હતી. જો કે પાક.માં જાધવને મળવા પહોંચેલી તેની પત્ની અને માતા સાથે બેહુદુ વર્તન કરાયું હતું જેની સમગ્ર મીડિયામાં ટિકા થઈ હતી.