(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૯
પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા માટે સહમત થયું હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. પાકિસ્તાન પોતાના નિયમો મુજબ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપશે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યા મુજબ જાધવને વિયેના સંધી અંતર્ગત કોન્સ્યુલર એક્સેસના અધિકાર વિશે જણાવવામાં આવ્યું છે.
‘ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મહત્વપૂર્ણ ચુકાદાને પગલે કમાંડર કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ માટેની વિયેના સંધીના આર્ટિકલ ૩૬ના પેરેગ્રાફ ૧(હ્વ) હેઠળના અધિકાર વિશે જણાવવામાં આવ્યું છે,’ તેમ વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
પાકિસ્તાન એક જવાબદાર દેશ હોવાના નાતે પાક.ના કાયદા મુજબ કમાંડર કુલભૂષણને કોન્સ્યુલર એક્સેસ આપશે. આ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું.
૪૯ વર્ષીય જાધવ ભારતના નૌસેનાના નિવૃત અધિકારી છે અને તેને પાકિસ્તાનની લશ્કરી કોર્ટે જાસૂસીના આરોપ બદલ ફાંસીની સજા ફટકારી હતી. પાકિસ્તાનની લશ્કરી કોર્ટના નિર્ણયને ભારતે આઈસીજેમાં પડકાર્યો હતો. બુધવારે આઈસીજેના ૧૬ જજોની બેન્ચે ૧૫-૧ના બહુમતથી જાધવની ફાંસીની સજા પર રોક લગાવવા આદેશ આપ્યો હતો તેમજ તેને કોન્સ્યુલર એક્સેસ આપવા પણ જણાવ્યું હતું. આઈસીજેનો ૪૨ પાનાનો ચુકાદો પાકિસ્તાનના ગાલ પર જોરધાર લપડાક સમાન છે.