(એજન્સી) હેગ, તા. ૧૭
પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે જોડાયેલા કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ(આઇસીજે) પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. ઇન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લવાવીને પાકિસ્તાનને જોરદાર લપડાક મારી છે. ભારતની તરફેણમાં નિર્ણય સંભળાવતા ઇન્ટરનેશનલ કોર્ટે જાધવને કોન્સ્યૂલર એક્સેસ પણ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો પણ આઇસીજેએ તેનો વાંધો ફગાવી દીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, પાકિસ્તાને પોતાના ફાંસીના ચુકાદા અંગે ફરી સમીક્ષા કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડના ધ હેગમાં પીસ પેલેસ ખાતે આ જાહેર સુનાવણી થઇ હતી જેમાં અદાલતના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યુસુફે પોતાનો ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. આમાં ૧૬માંથી ૧૫ જજોએ ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો
કોર્ટે ચુકાદો સંભળાવતા એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાને વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કરવાની સાથે જ જાધવના અધિકારોનું પણ ઉલ્લંઘન કર્યું છે. સત્તાવાર નિર્ણય આવતાપહેલા આઇસીજેમાં દક્ષિણ એશિયાની બાબતોના આંતરરાષ્ટ્રીય કાનુની સલાહકાર રીમા ઉમરે આ અંગે ટિ્‌વટ કર્યું હતુ કે, આ મામલે ભારતના પક્ષમાં નિર્ણય આવ્યો છે. તેમના ટિ્‌વટ અનુસાર કુલભૂષણની સજા પર પુનઃ વિચાર કરવામાં આવશે. ભારતને કોન્સ્યૂલર એક્સેસ મળશે. આવા સમયે આઇસીજેમાં પાકિસ્તાન માટે મોટો આંચકો છે. આઇસીજેના ચુકાદા બાદ કોર્ટ પરિસર બહાર જીતની ઉજવણીના નારા પણ લાગ્યા હતા. દરમિયાન પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના પૂર્વ નેતા સુષમા સ્વરાજે ટિ્‌વટ કરીને આને દેશની મોટી જીત ગણાવી હતી. સાથે જ આ માટે પીએમ મોદી અને હરિશ સાલ્વેને અભિનંદન આપ્યા હતા. બીજી તરફ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આને પાકિસ્તાન માટે મોટો આંચકો ગણાવ્યો હતો. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આઇસીજેએ પાકિસ્તાનને નિર્દેશ આપ્યો છે કે, તે કુલભૂષણ જાધવ માટે કાઉન્સિલર એક્સેસ આપે. આવા સમયે બે મત નથી કે આ ભારત માટે મોટી જીત છે.

કુલભૂષણને કયા આધારે મોતની સજા સંભળાવી હતી ?

પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા કુલભૂષણ જાધવને દબાણપૂર્વકના કબૂલાતનામાના આધારે મોતની સજા સંભળાવી હતી. તેની સજા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. આઇસીજેની ૧૦ સભ્યોની પીઠે ૧૮મી મે ૨૦૧૭ના રોજ પાકિસ્તાનને જાધવની મોતની સજા પર અમલ કરવાથી રોક્યું હતું. ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ પક્ષ મુક્યો હતો.

૨૧ ફેબ્રુઆરીએ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

આ કેસમાં ચુકાદાના લગભગ પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યુસુફની અધ્યક્ષતાવાળી આઇસીજેની ૧૫ સભ્યોની પીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિક દલીલો સાંભળ્યા બાદ ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ આજ પેનલ પર બંને દેશની નજરો ટકી હતી.આઇસીજેના ચુકાદાની અસર બંને દેશોના સંબંધો પર પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સૈન્ય અદાલતે એપ્રિલ ૨૦૧૭માં બંધ બારણે સુનાવણી બાદ જાસૂસી અને આતંકવાદના આરોપમાં ભારતીય નેવીના સેવાનિવૃત્ત અધિકારી કુલભૂષણને મોતની સજા સંભળાવી હતી.