નવીદિલ્હી,તા. ૧૩
પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાદવની માતાને વિઝા આપવાના મુદ્દા ઉપર પાકિસ્તાન સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જાસુસીના આરોપસર કુલભૂષણને પાકિસ્તાનમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. પાકિસ્તાની મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારની વિનંતી બાદ પાકિસ્તાન દ્વારા જાધવની માતાને વિઝા આપવા વિચારણા કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જાધવની માતા અવંતિકા જાધવે પાકિસ્તાનના વીઝા માટે અરજી કરી હતી. તે પાકિસ્તાનમાં પોતાના પુત્ર કુલભૂષણને મળવા માગે છે અને આ માટે તેણે પાકિસ્તાની વીઝા માટે અરજી કરી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝ દ્વારા શા માટે તેમની ભલામણ તરફ ધ્યાન અપાઈ રહ્યું નથી તે વાત સમજાતી નથી. ૪૬ વર્ષીય જાધવને જાસુસીના આરોપસર પાકિસ્તાની સેનાની કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. ૧૮મી મેના દિવસે ઇન્ટરનેશનલ કોર્ટે જાધવની ફાંસી ઉપર સ્ટે મુક્યો હતો અને આખરે ભારતની વિનંતી સ્વિકારી હતી અને મદદ કરવાની વાત સ્વીકારવા પાકને સૂચન કર્યું હતું.