(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરના નિધન અંગે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ સહિત જાણીતા અગ્રણીઓએ દુઃખ પ્રગટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
કુલદીપ નૈય્યરના અવસાનના સમાચાર સાંભળી મહાનુભાવો સહિત ડાબેરી નેતા સીતારામ યેચુરી, આપ નેતા મનીષ સિસોદિયા ભાજપ પ્રમુખ અમિતશાહ, કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલ, મુખ્તાર અબ્બાસ નકવી, રાજવર્ધનસિંહ રાઠોડ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ધી વીક મેગેઝીનના સંપાદક સચ્ચિદાનંદ મૂર્તિ નૈય્યરે પ્રેસની આઝાદી અને નાગરિકોના અધિકારોની રક્ષા માટે હંમેશા સંઘર્ષરત રહેનાર પત્રકાર તરીકે યાદ કરાશે. તેમણે રાજીવ ગાંધી દ્વારા લવાયેલ માનહાનિ વિધેયકનો વિરોધ કર્યો હતો.
જાણીતા વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરનું બુધવારે દિલ્હીમાં ૯પ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમનો જન્મ ૧૯ર૩માં પાકિસ્તાના સિયાલકોટમાં થયો હતો. કુલદીપ નૈય્યર પહેલાં એવા પત્રકાર હતા જેમની કટોકટી દરમ્યાન ધરપકડ કરાઈ હતી.
તેમના અવસાન બદલ વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું કે કુલદીપ નૈય્યરનું કટોકટી સામે કડક વલણ, તેમનું કામ અને ૃસમૃદ્ધ ભારત માટે તેમની પ્રતિબદ્ધતા હંમેશા યાદ કરાશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી કેજરીવાલે પણ નૈય્યરના અવસાન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.
કુલદીપ નૈય્યર ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. બુધવારે રાતે ૧રઃ૩૦ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધો. તેમણે પત્રકારત્વની શરૂઆત ઉર્દૂ પ્રેસ રિપોર્ટર તરીકે કરી હતી. તેઓ ‘ધ સ્ટેટસમેન’ દૈનિકના સંપાદક પણ રહ્યા હતા. તેઓ ૧૯૯૦માં બ્રિટન ખાતેના ભારતના હાઈકમિશનર નિમાયા હતા. ત્યારબાદ તેઓને રાજ્યસભામાં મોકલાયા હતા. કુલદીપ નૈય્યરે ઘણા પુસ્તકો લખ્યા હતા. જેમાં ‘લીટવીન્સ ધ લાઈન્સ’ ઈન્ડિયા આફટર નહેરૂ’ ‘ઈન્ડિયા-પાકિસ્તાન રિલેશનશીપ’ તેમના લોકપ્રિય પુસ્તકો છે.
સન્માન પરત લેવાયું :-
ગયા વર્ષે કુલદીપ નૈય્યરને અકાલતખ્ત દ્વારા ૪૦૦ની વર્ષ ગાંઠ નિમિત્તે સન્માનિત કરાયા હતા. કુલદીપ નૈય્યરે ગુરમીત રામ રહીમની તુલના ભિંડરાનવાલે સાથે કરી હતી. જે અંગે દમદમી ટકસાલે આપત્તી જગાવી હતી. ત્યારબાદ શિરોમણી અકાલી દળે તેમનું સન્માન પરત લેવાનો નિર્ણય કર્યો હતો.
કટોકટી પર કુલદીપનો ખૌફઃ-
કટોકટી દરમ્યાન કુલદીપ નૈય્યર ઈન્ડિયન એક્ષપ્રેસમાં કામ કરી રહ્યા હતા. ર૪ જૂન ૧૯૭પના રોજ કટોકટી લાગુ કરાઈ તે રાત્રે તેઓ અખબારની કચેરીમાં હતા. બીબીસી સાથે વાતચીતમાં તે દિવસોને યાદ કરી રહ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાની જબાન ખોલવા ઈચ્છતી ન હતી. કારણ કે તેને ધરપકડનો ભય લાગતો હતો. મીડિયા કમજોર બની ગઈ હતી. વેપારી-ઉદ્યોગપતિઓના નિવાસે દરોડા પડાયા હતા. પ્રેસ કાઉન્સિલે પણ ચૂપકીદી સેવી હતી. પ્રેસની આઝાદીની રક્ષા માટે આ સર્વોચ્ચ સંસ્થા હતી.
કુલદીપ નૈય્યર એક મજબૂત અવાજ હતા. તેઓ સરકારની દરેક પળે ટીકા કરવાનું ચૂકતા ન હતા. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે મોદી સરકારમાં કોઈપણ મંત્રીનું મહત્ત્વ રહ્યું નથી. મીડિયાની આઝાદી અંગે લખ્યું હતું કે દશકો પહેલાં ઈન્દિરા ગાંધીનું એકહથ્થુ શાસન હતું તો આજે નરેન્દ્ર મોદીનું છે. મોટાભાગની ટીવી ચેનલોએ તેમના કામ કરવાની પદ્ધતિને સ્વીકારી લીધી હતી. જેમ ઈન્દિરા ગાંધીના સમયમાં સ્વીકારી હતી. મોદી શાસનમાં કેબિનેટ મંત્રીનું કોઈ મહત્ત્વ નથી રહ્યું. ફક્ત કાગળની કાર્યવાહી બની ગયું છે. તમામ રાજકીય પક્ષોએ ભેગા મળી કટોકટી જેવી હાલત સામે ખિલાફત કરવી જોઈએ જેવી રીતે પહેલાં કરી હતી.