(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૧
લંડનમાં કેન્સરની બીમારીની સારવાર લઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમનું ૬૮ વર્ષની વયે લાંબી માદગી બાદ આજે અવસાન થયું હતું. તેમ પરિવારના સૂત્રોએ કહ્યું હતું. જીઓ ટીવીના અહેવાલ મુજબ લંડનમાં હેર્લી સ્ટ્રીટ ક્લિનિક ખાતે સારવાર લઈ રહેલા કુલસુમ શરીફની તબિયત વધારે લથડતાં તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. તેઓ ફેંફસાના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. નવાઝ શરીફના ભાઈ અને મુસ્લિમ લીગના પ્રમુખ શાહબાઝ શરીફે મોતની પુષ્ઠિ કરી હતી. ભ્રષ્ટાચારના કેસમાં નવાઝ શરીફ અને પુત્રી મરીયમ તેમજ જમાઈ મોહંમદ સફદર રાવલપિંડી જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમને કુલસુમના મોતની જાણ કરાઈ હતી. તેમની અંતિમવિધિ પાકિસ્તાન ખાતે કરાશે. વડાપ્રધાન ઈમરાનખાને કુલસુમના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં વડાપ્રધાને કહ્યું કે તેઓ પરિવારને કાયદા મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડશે. લંડનની પાકિસ્તાન એલચી કચેરીને તમામ મદદ માટે સૂચના અપાઈ છે. સેના પ્રમુખ જનરલ બાજવાએ કુલસુમના અવસાન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે નવાઝ શરીફની સરકાર જનરલ મુશર્રફે બરતરફ કરી ત્યારે કુલસુમ શરીફે મુસ્લિમ લીગ (નવાઝ)ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. કુલસુમ લાહોરથી ચૂંટણી જીત્યા હતા પરંતુ બીમારીના કારણે તેનો પાકિસ્તાન આવી શપથ લઈ શક્યા ન હતા. ૧૯પ૦માં કાશ્મીરી પરિવારમાં લાહોર ખાતે તેમનો જન્મ થયો હતો. તેઓ વિખ્યાત કુસ્તીબાજ ગામા પહેલવાનના મોટા પુત્રી હતા. ૧૯૭૧માં તેઓ નવાઝ શરીફ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેઓ બે પુત્રો અને બે પુત્રીઓ સહિત પતિને વિલાપ કરતા છોડી ગયા છે.