(એજન્સી) તા.ર૦
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે હવે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ વધુ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે શિવસેના સાથે ગઠબંધન કરવાને બદલે ભાજપને ટેકો જાહેર કરી દેવો જોઇએ. તેમણે કહ્યું કે હવે કર્ણાટકમાં પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં જો ભાજપને ફરીવાર સત્તામાં આવવા માટે બેઠકો ખૂટશે તો અમે તેમને ટેકો આપવા તૈયાર છીએ. અમે સરકારને પડવા નહીં દઇએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ-જેડીએસની સરકારનું ગઠબંધન તૂટવાને કારણે જ ભાજપની સરકાર ફરીવાર સત્તામાં આવી ગઈ હતી. જોકે ૧૭ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવાતા હવે ૧પ બેઠકો પર ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં બંને પક્ષોને બહુમતી માટે આ બેઠકો જીતવી જરુરી છે. જોકે તેના કારણે જ કુમારસ્વામીનું નિવેદન મોટું માનવામાં આવી રહ્યું છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે કંઇ હિલચાલ ચાલી રહી છે તેના વિશે હવે કોંગ્રેસ શું કહેશે ? દરેક વ્યક્તિ જાણે છે કે શિવસેના ભાજપ કરતાં પણ મોટો કટ્ટર હિન્દુવાદી પક્ષ છે. જોકે હવે કોંગ્રેસ તેની સાથે સરકાર બનાવવા માટે વાતચીત કરી રહી છે અને તેના કારણે જ હવે મારા પક્ષ સામે કર્ણાટકમાં આંગળીઓ ચિંધાઇ રહી છે. તેઓ અમારા પર આક્ષેપ કરે છે કે અમે ભાજપ તરફ આગળ વધી રહ્યાં છીએ. ગત અઠવાડિયે આયોજિત એક ઇવેન્ટ દરમિયાન કુમારસ્વામીએ આ ટિપ્પણી કરી હતી. જોકે આ અહેવાલની કોઇ પુષ્ટિ કરવા તૈયાર નથી. જોકે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ કુમારસ્વામીને આ મામલે જડબાતોડ જવાબ આપ્યો હતો.