(એજન્સી) બેંગલુરૂ, તા.૨૨
કર્ણાટકમાં જનતા દળ (એસ)ના વડા એચડી કુમારસ્વામી આવતીકાલે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાના હોવાથી રાજ્યમાં એક સપ્તાહમાં બીજા મુખ્યપ્રધાન હશે. કુમારસ્વમી સાથે નાયબ મુખ્યપ્રધાન પણ શપથ લેવાના છે. કોંગ્રેસના જી.પરમેશ્વર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હશે. કુમાર સ્વામીના બીજા નાયબ મુખ્યપ્રધાન હશે કે કેમ, એ બાબતે એક શબ્દ પણ કહેવામાં આવ્યો નથી. મંગળવારે સાંજે યોજાયેલી એક બેઠકમાં બંને પક્ષોએ સત્તાના વહેંચણીને આખરી ઓપ આપ્યો છે. રાજ્યના ૩૪ મંત્રાલયોમાંથી ૨૨ મંત્રાલય કોંગ્રેસને મળશે જ્યારે મુખ્યપ્રધાનપદ સહિત ૧૨ મંત્રાલય જેડીએસ પાસે રહેશે. ફ્લોર ટેસ્ટ પછી ખાતાઓની ફાળવણી વિશે નિર્ણય લેવામાં આવશે. ગુરૂવારે ખાતાઓની ફાળવણી કરાશે એમ કર્ણાટક કોંગ્રેસના એક મહત્વના નેતા કેકે વેણુગોપાલે જણાવ્યું છે. સ્પીકર અને નાયબ સ્પીકરના હોદ્દા પણ બંને પક્ષો વચ્ચે વહેંચવામાં આવશે. સ્પીકર કોંગ્રેસના રહેશે જ્યારે નાયબ સ્પીકર જેડીયુના હશે. સ્પીકરપદ માટે કોંગ્રેસે રમેશકુમારનું નામ આપ્યું છે જ્યારે નાયબ સ્પીકર અંગે જેડીએસે હજી નિર્ણય લેવાનો બાકી છે. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કુમારસ્વામીની બેઠક યોજાયા બાદ કોંગ્રેસે ગ્રીન સિગ્નલ આપતાં બંને પક્ષોની મહત્વની બેઠક યોજાઇ હતી. એજન્ડામાં નાયબ મુખ્યપ્રધાનો અને સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાનો પણ સમાવેશ થાય છે. આ બાબતે નિર્ણય લેવાનો રાહુલ ગાંધીએ રાજ્યના નેતાઓ પર છોડ્યો છે. બેઠકમાં વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા હતા.