(એજન્સી) બેંગ્લુરૂ, તા.પ
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાના થોડાક જ દિવસોમાં આજે એચ.ડી. કુમાર સ્વમીએ મોટી ઘોષણા કરી હતી અને જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સરકારમાં સામેલ તમામને નવી ગાડી અથવા નવી ઓફિસની સુવિધા આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ મામલે અગાઉથી જ મુખ્ય સચિવને જાણ કરી દેવામાં આવી છે. કુમાર સ્વામીએ મુખ્ય સચિવને બિનજરૂરી ખર્ચા પર કાપ મૂકવા તાકીદ કરી હતી. અભિનેતા-નેતા કમલ હાસન સાથે મુલાકાત બાદ કુમારસ્વામીએ પત્રકારોને આ જાણકારી આપી હતી.
કરકસરના પગલાંરૂપે કોઈ પણ મંત્રી કે વિભાગ માટે નવી ગાડી ખરીદવામાં નહીં આવે. બેંગ્લુરૂમાં વિધાનસભા બિલ્ડીંગમાં પોતાની ઓફિસોમાં નવેસરથી સમારકામ કરાવવા ઈચ્છતા મંત્રીઓ અથવા અધિકારીઓએ ચાલુ વર્ષે આ યોજના પડતી મૂકવી પડશે. કુમાર સ્વામીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોઈપણ ઓફિસમાં રિનોવેશન કરાવવાની કોઈ આવશ્યક્તા નથી. મેં તમામ બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા તાકીદ કરી છે. ૩૦મેના રોજ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, તેમની સરકારની પ્રાથમિકતા ખેડૂતોના પ્રશ્નો દૂર કરવાની અને પ્રજાને આપેલા વચનો પૂરા કરવાની છે.