(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૦
અહીંના અખબાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીના શપથગ્રહણ કાર્યક્રમમાં હાજર રહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું હોટલનું બિલ રૂા.૧૦.પ લાખ થયું હતું.
શપથગ્રહણ કાર્યક્રમમાં દેશના ટોચના ૪ર જેટલા રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. માહિતીના અધિકાર કાયદા હેઠળ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉક્ત માહિતી પ્રાપ્ત થઈ હતી. નાયડુ બેંગ્લુરૂની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં રોકાયા હતા. જેમનું હોટલનું ભાડું રૂા.૮.૭ર લાખ થયું હતું. નાયડુ ર૩ મેથી ર૪ મે સુધી હોટલમાં રોકાયા હતા.
માહિતી મુજબ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો કુલ ખર્ચ રૂા.૧.૮પ લાખ થયો હતો. જેમાં ફૂડ અને જ્યુસના રૂા.૭૧,૦રપ સામેલ છે. તેમજ ખાણીપીણીનું રૂા.પાંચ હજારનું બિલ થયું હતું. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીના અનુક્રમે રૂા.૧.૦ર લાખ અને રૂા.૧.૪૧ લાખના બિલ થયા હતા.