(એજન્સી) બેંગ્લુરૂ, તા.૨૧
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું છે કે, મોદી સરકારના વહીવટથી નિરાશ થયો છું. એમણે મમતા બેનરજીના વખાણો કરતા કહ્યું, એ ઘણી જ સારી વહીવટકર્તા છે. એમનામાં દેશને ચલાવવાની ક્ષમતાઓ છે. જો કે, એ સાથે એમણે એ પણ કહ્યું કે, હાલમાં નેતાગીરીનો મુદ્દો વધુ મુશ્કેલ નથી અને વિપક્ષોએ ચૂંટણીઓ જીતવા માટે ધ્યાન આપવું જોઈએ. એમણે કહ્યું કે, નેતાગીરીનો મુદ્દો ચૂંટણીઓ જીતવા માટેનો અનિવાર્ય મુદ્દો નથી. લોકો મોદીથી નિરાશ થયા છે. એ જરૂરી નથી કે, ચૂંટણીઓ પહેલાં નેતાની પસંદગી કરવી અનિવાર્ય છે. એવા ઘણા અસરકારક નેતાઓ છે, જે દેશના વિકાસ માટે કાર્ય કરી શકે છે. એમના રાજ્યોમાં અને ક્ષેત્રોમાં ખૂબ જ અસરકારક વર્ગ ધરાવે છે. એ નેતાઓ એવા કાર્યો કરી શકે છે, જે કાર્યો કરવામાં એમની પહેલાની સરકારો નિષ્ફળ રહેલ હોય. આપણે સાથે બેસીને નેતાની પસંદગી ચૂંટણી પછી કરી શકીશું. મમતા બેનરજી દ્વારા યોજાયેલ રેલીમાં કુમારસ્વામીએ પણ ભાગ લીધો હતો. એમણે કહ્યું કે, મમતામાં બધી જ લાયકાતો છે. એ સૌથી સરળ વ્યક્તિઓથી પણ સરળ વ્યક્તિ છે. એમનામાં નેતાગીરીની ક્ષમતાઓ છે. એ માટે જ લાંબાગાળાથી બંગાળને સાચવી શક્યા છે. એમણે આજની પરિસ્થિતિને ૧૯૭૭ સાથે સરખાવતા કહ્યું કે, તે વખતે ઈન્દિરા ગાંધીની નેતાગીરી સામે પડકાર હતો, પણ મને આ મુદ્દે કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. એમણે કહ્યું કે, રાષ્ટ્રીય પક્ષ ભાજપનો વિકલ્પ મહાગઠબંધન બની શકશે. એમણે વધુમાં કહ્યું કે, અમુક રાજ્યોને પોતાના પ્રશ્નો છે, પણ તેમ છતાંય એમની પાસે સક્ષમ નેતાઓ છે, જે દેશને નેતાગીરી પૂરી પાડી શકે છે અને આ ક્ષેત્રીય પક્ષો આગામી ચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. એમણે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની ગેરહાજરી બાબત કહ્યું કે, મારા મતે ચૂંટણી પછી બધા એક સાથે ભેગા થશે. જોગાનુજોગે કેસીઆર ગયા મહિને પ.બંગાળમાં મમતા બેનરજીને મળવા ગયા હતા અને મહાગઠબંધન બાબત ચર્ચા કરી પણ હતી. જો કે, એમણે કહ્યું કે, બિનભાજપ અને બિનકોંગ્રેસનું ગઠબંધન પણ કાર્ય કરી શકે છે. એમણે મમતાના વખાણ કરતા કહ્યું કે, મમતાએ રેલી માટે પોતાના હરીફ ડાબેરી પક્ષોને પણ આમંત્રણ આપ્યું હતું. એમનાથી વધુ ઉદારમતવાદી કોણ હોઈ શકે ?