(એજન્સી) નવી દિલ્હી, તા.પ
આપની સરકારને ઉથલાવવાના આક્ષેપો કુમાર વિશ્વાસ ઉપર મૂકાયા પછી વિશ્વાસે ચુપકિદી તોડી છે. એમણે ગોપાલરાય ઉપર પલટવાર કરતા એમની સરખામણી કુંભકર્ણ અને બાહુબલી ફિલ્મના કટપ્પા સાથે કરી હતી. સાત મહિના પછી એ જાગ્યા છે. આ સાથે આપ પક્ષે ગોપાલ રાયના નિવેદનને સમર્થન નથી આપ્યું. કુમારે કહ્યું કે આ નિવેદન પાછળ અન્ય કોઈ છે, હું એમને વિનંતી કરીશ કે જે નવા ગુપ્તાઓ પક્ષમાં આવ્યા છે. એ એમના યોગદાનનો લાભ લે. વિશ્વાસની આ પ્રતિક્રિયા પહેલા ગુરૂવારે ગોપાલ રાયે કુમાર ઉપર આક્ષેપો મૂક્યા હતા કે દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણી પછી કેજરીવાલ સરકારને ઉથલાવવાનું કાવતરું રચાયું હતું. જેની આગેવાની વિશ્વાસની હતી. આ પહેલાં રાજ્યસભાની ટિકિટ નહીં મળવાને લીધે વિશ્વાસે પક્ષ ઉપર તીવ્ર પ્રહારો કર્યા હતા.
પત્રકારો સાથે વાતચીત કરતા એમણે કહ્યું રાયની કુંભકર્ણી ઊંઘ સાત મહિના પછી તૂટી છે. દર વખતે નવા કટપ્પા અમાનસથી લઈ અહીં સુધી પેદા કરવામાં આવે છે. એમણે વિનંતી કરી કે મારી સાથે છેડછાડ નહિ કરો. પાછલા વખતે બાબરપુરમાં હું એમને જીતાડવા ગયો હતો. આ વખતે સુશીલ ગુપ્તાની રેલી કરાવે. ત્યાંથી સાંસદ બનો, વડાપ્રધાન બનો, યુએનના અધ્યક્ષ પણ બની જાવો. જેથી થોડી શાંતિ મળી જશે, હાલ તો આનંદ લુંટો નવી વસ્તુઓ તમને મળી છે.
રાયે કહ્યું કુમાર વિશ્વાસે પક્ષની સામે જાહેર મંચથી પ્રહારો કર્યા હતા. એમની સાથે કપિલ મિશ્રા પણ હતા. શું એવી વ્યક્તિને પક્ષ દ્વારા રાજ્યસભામાં મોકલી શકાય ?