(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૮
સોમવારે કર્ણાટકના સીએમ એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે તેઓ કર્ણાટકની સાડા છ કરોડ જનતા નહીં પણ કોંગ્રેસ પાર્ટીની દયા પર નિર્ભર છે અને તેની પરવાનગી વગર તે કંઈ પણ કરી શકે તેમ નથી. તેમણે પોતાના નિવેદનનું પુનરાવર્તન કરતાં કહ્યું કે તે કોંગ્રેસની દયા પર નિર્ભર છે. તેમની રાજ્ય માટેની જવાબદારી જુદી છે અને તેઓ મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. કુમારસ્વામીએ મીડિયાને જણાવ્યું કે, ભલે હું કોંગ્રેસની દયા પર નિર્ભર છું પરંતુ જ્યારે હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવું છું ત્યારે રાજ્યના વિકાસને લગતા મારા કામની ફરજો અને કોંગ્રેસની દયાને હું અલગ રીતે જ જોઉં છું. સીએમે જણાવ્યું કે, તેમણે લોકો પાસે પૂર્ણ બહુમતી માંગી હતી પરંતુ તે ના મળતા તેઓ કોંગ્રેસ પર નિર્ભર છે. આ મારી સ્વતંત્ર સરકાર નથી. હું અહીંયા રાજ્યના ૬.પ કરોડ લોકોના બહુમતને કારણે નથી પરંતુ કોંગ્રેસી નેતાઓને કારણે છું અને તે બદલ હું તેમનો આભારી છું. ર૩ મેના રોજ એચ.ડી.કુમારસ્વામીએ કર્ણાટકના ર૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ જેડી(એસ)ના ગઠબંધનની સરકાર છે કે જેમાં ર સ્વતંત્ર ઉમેદવારો સહિત કુલ ૧૧૭ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ સરકારે રાજ્યમાં બહુમતી માટે જરૂરી બેઠકો કરતાં ૬ વધુ બેઠકો મેળવી છે.