(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૩
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા આશરે ડઝન જેટલા ભાજપ વિરોધી નેતાઓની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. કુમારસ્વામીની પાર્ટીએ ભાજપની સૌથી વધારે બેઠકો આવ્યા બાદ અંતિમ ઘડીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને બુધવારે મોટાભાગના વિપક્ષનો જમાવડો કર્ણાટકના મંચ પર દેખાયો હતો જેમાં આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીના સંદર્ભે તમામે એકતાનો પુરાવો આપ્યો હતો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કુમારસ્વામીની પડખે ઊભા રહી તમામ વિપક્ષોની આગેવાની કરી હતી. મુખ્ય મહેમાનોમાં મુખ્યમંત્રીઓ મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ અને ચંદ્રબાબુ નાયડુ સાથે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ તથા બસપાના માયાવતી પણ એક મંચ પર દેખાયા હતા.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. પોતાના નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરા સાથે મુખ્યમંત્રી પદના શપથ લેતા કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ શુક્રવારે વિશ્વાસમત મેળવશે. કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ પોતાના તમામ ધારાસભ્યોને હોટેલમાંથી શપથવિધિ સમારોહમાં લાવ્યા હતા અને વિધાનસભામાં તેમને ખરીદવાના પ્રયાસ કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
૨. શપથ સમારોહને વિપક્ષની એકતામાં ફેરવી નાખનારા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગઠબંધન સરકારને સફળ બનાવવામાં ઘણું બધું થયું છે. મારે સરકાર ચલાવવામાં ઘણી સાવધાની રાખવી પડશે.
૩. શપથવિધિ સમારોહમાં સામેલ થવા માટે ઘણા બધા ભાજપના નેતાઓ બેંગ્લુરૂ દોડી આવતા કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ મારા માટે તો અહીં આવ્યા નથી. આ નેતાઓ મને સમર્થન આપવા અહીં આવ્યા નથી પણ આ એક સંકેત છે કે, ૨૦૧૯માં ઘણા ફેરફાર થશે.
૪. આ કાર્યક્રમ ઘણી રીતે સાંકેતિક બની રહ્યો હતો. સમારોહમાં ઘણા સમયથી એકબીજાના કટ્ટર વિરોધી અખિલેશ યાદવ અને માયાવતી એક મંચ પર જોવા મળ્યા હતા. અખિલેશ યાદવે તેમને વધામણી પણ આપી હતી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. માયાવતીએ પણ આગામી લોકસભા ચૂંટણી સુધી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન ચાલુ રાખવાનું કહ્યું છે અને તેમણે જેડીએસ સાથે પણ ચૂંટણી પહેલા ગઠબંધન કર્યું હતું.
૫. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવની ટીમ અને કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ટીમે કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના શપથને વિપક્ષની મિત્રતામાં ફેરવી દીધી હતી.
૬. મંચ પર વિપક્ષની એકતાએ ઘણા ફોટોગ્રાફરોને પણ ધ્યાનાકર્ષિત કર્યા હતા જોકે, અન્ય ભાજપ વિરોધી પક્ષો પણ આ મેળાવડામાં સામેલ થઇ શકે છે. એક સમયે પશ્ચિમ બંગાળના મુુખ્યમંત્રી મમતા બેનરજી અને સીતારામ યેચૂરી પણ મંચ પર દેખાયા હતા અને સામ સામે આવી ગયા હતા. તેઓએ બંનેએ એક બીજાને અભિનંદન આપ્યા હતા અને હાથ મિલાવ્યા હતા.
૭. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાતાં કોંગ્રેસ અને જેડીએસે તરત જ હાથ મિલાવી લીધા હતા અને કુમારસ્વામીને મુખ્યમંત્રી જાહેર કરી દીધા હતા. આ બંનેના મળીને કુલ ૧૧૭ બેઠકો થઇ હતી જે બહુમતી માટે પુરતી હતી.
૮. કોંગ્રેસના કુલ ૨૨ અને જેડીએસના ૧૨ મંત્રીઓ હશે તેમ કેસી વેણુગોપાલે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, વિશ્વાસ મત બાદ બધા મંત્રીઓ શપથ લેશે.
૯. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદ માટે બંને પક્ષોમાં મતમતાંતર જોવા મળ્યા હતા જોકે બાદમાં કોંગ્રેસના સ્પીકર અને તેમના ડેપ્યુટી જેડીએસના હોય તેમ નક્કી થયું હતું. કોંગ્રેસે આ માટે રમેશ કુમારનું નામ આપ્યું હતું જ્યારે જેડીએસ પોતાના ઉમેદવારનું નામ હવે જાહેર કરશે.
૧૦. બે દિવસ માટે મુખ્યમંત્રી બનનારા ભાજપના બીએસ યેદિયુરપ્પાએ શનિવારે વિશ્વાસ મત પહેલા જ રાજીનામું આપી દીધું હતું અને આજે તેમણે સંકેત આપ્યા હતા કે, કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન ત્રણ મહિનાથી વધુ નહીં ચાલે.