(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં વિરોધ પક્ષોની પ્રચંડ એકતા જોવા મળી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, આ જોડાણ ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને કેન્દ્રમાંથી ઉખાડી ફેંકશે. શપથગ્રહણ સમારંભ બાદ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, ૧ર વર્ષ અગાઉ ભાજપે મારો ઉપયોગ કર્યો હતો.
કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ મે નરેન્દ્ર મોદી અને અમિત શાહના અશ્વમેધ ઘોડાને રોકવા માટે સંકલ્પ કર્યો હતો અને મેં કોંગ્રેસ તથા જનતાદળ સેક્યુલરના જોડાણ દ્વારા આ અશ્વમેધ ઘોડો રોકી બતાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાચીન ભારતમાં એવી પરંપરા હતી કે કોઈ રાજા પોતાનો અશ્વમેધ ઘોડો દોડાવી પ્રદેશો કબજે કરતા અને જો કોઈ પ્રદેશ કે પ્રાંત તે અશ્વમેધ ઘોડાને રોકતાં તો એવું સમજાતું કે તે પ્રાંત રાજા સાથે યુદ્ધ કરવા તૈયાર છે. પ૮ વર્ષીય કુમારસ્વામી વર્ષોથી પોતાની પ્રતિસ્પર્ધી રહેલા નેતાઓ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી, સીપીએમના નેતા સીતારામ યેચુરી, માયાવતી અને સોનિયા ગાંધીને નજીક લાવવામાં સફળ રહ્યા હતા. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ સમારંભમાં આટલા બધા વરિષ્ઠ નેતાઓને એક સાથે જોવા એ ઐતિહાસિક ક્ષણ છે. આ નેતાઓ મને સમર્થન આપવા અહીં એકઠા થયા નથી પણ તેઓ સંદેશો આપવા આવ્યા છે કે, ર૦૧૯માં એક મોટું પરિવર્તન આવશે. તેમણે જણાવ્યું હતું કે, દેશને બચાવવા કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની ઘટના ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે જોડાણ માટે સૌપ્રથમ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જેડીએસના વડા એચ.ડી. દેવગાડાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મને સલાહ આપી હતી કે આપણે દેશના ભાવિ રાજકારણ માટે કઈ રીતે કામ કરી શકીએ છે.