(એજન્સી) બેંગલુરૂ , તા.૧૯
કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને રાજ્યના રાજ્યપાલ વજુભાઇવાળા દ્વારા શુક્રવારે બપોરે ૧-૩૦ વાગ્યા સુધી વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની આપવામાં આવેલી ડેડલાઇન પુરી થઇ ગયાના કલાકો બાદ રાજ્યપાલે આજનો દિવસ પુરો થાય ત્યાં સુધીમાં એટલે ૬ વાગ્યા સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાની ફરી ડેડલાઇન આપવામાં આવી છે. રાજ્યપાલ વજુભાઇવાળાએ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીને શુક્રવારે બીજો પત્ર પાઠવ્યો છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે ‘બીજા પ્રેમ પત્રે મને દુઃખી કર્યો છે.’ ગઠબંધન સરકારે કહ્યું કે તે સ્પીકરને અનુસરવા બંધાયેલી છે. વિશ્વાસની દરખાસ્ત પર મતદાન પહેલા સ્પીકરે લાંબી ચર્ચાની બહાલી આપી છે. ગઠબંધન સરકારને ભયમાં મુકનારા બળવાખોર ધારાસભ્યોના સ્ટેટસ અંગે નિર્ણય લેવાની સ્પીકર કેઆર કુમારને સ્વતંત્રતા આપતા આદેશ પર સ્પષ્ટતા કરવાની ગઠબંધને સુપ્રીમકોર્ટને અરજ કરી છે.
૧૦ મહત્વના ઘટનાક્રમ
૧. રાજ્યપાલે મુખ્યપ્રધાનને પાઠવેલા પોતાના બીજા પત્રમાં જણાવ્યું કે ફ્લોર ટેસ્ટમાં વિલંબ કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જ્યારે વ્યાપક રીતે સોદાબાજી કરવામાં આવી રહી હોવાનો આરોપો મુકવામાં આવ્યા છે અને મને આવી ઘણી ફરિયાદો મળી છે ત્યારે કોઇ પણ પ્રકારના વિલંબ કર્યા વગર ફ્લોર ટેસ્ટ પુરો કરવાનું બંધારણીયરીતે આવશ્યક બની ગયું છે.
૨. ભાજપની ફરિયાદ પર ગઇકાલે રાજ્યપાલે મુખ્યપ્રધાનને લખ્યું હતું કે તમે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ભારતના બંધારણ દ્વારા ચલાવવામાં આવતા લોકતાંત્રિક માળખામાં આ ચાલી શકે નહીં. આ સંજોગોમાં તમે આવતીકાલ એટલે શુક્રવારે બપોરે દોઢ વાગ્યા સુધીમાં ગૃહમાં પોતાની બહુમતી પુરવાર કરો. ગઠબંધને છેલ્લા બે સપ્તાહમાં ૧૮ ધારાસભ્યોનો ટેકો ગુમાવી દીધા બાદ ગઠબંધન સમય વેડફી રહ્યું હોવાનો ભાજપે આરોપ મુક્યો હતો.
૩. કુમારસ્વામીએ તેમના લાંબા પ્રવચનમાં વિપક્ષ ભાજપ સામે ધારાસભ્યોને પક્ષ પલટો કરવા માટે ૪૦-૫૦ કરોડ રૂપિયાની ઓફર કરવાનો આરોપ મુક્યો છે. બે દિવસમાં પોતાના બીજા નિવેદનમાં કુમારસ્વામીએ ભાજપને ચુકાદાના દિવસની ચેતવણી આપી છે.
૪. ભાજપના નેતા યેદિયુરપ્પાએ તાકીદે વિશ્વાસના મતનો આગ્રહ કર્યો ત્યારે કુમારસ્વામીએ જણાવ્યું કે સત્તામાં ૧૪ મહિના રહ્યા બાદ અમે અંતિમ તબક્કાએ આવી ગયા છીએ. ચાલો ચર્ચા કરી લઇએ. તમે હજી પણ સરકાર રચી શકો છો. કોઇ ઉતાવળ નથી. તમે સોમવારે કે મંગળવારે પણ આ કરી શકો છો. હું સત્તાનો દુરૂપયોગ કરવાનો નથી.
૫. ગઠબંધને આરોપ મૂક્યો કે રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવા માટે દબાણ હેઠળ છે. કેન્દ્ર સરકારના ટોચના સૂત્રોએ આ આરોપને વાહિયાત ગણાવ્યો છે અને કહ્યું કે કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો કોઇ પ્રશ્ન જ નથી. તમે ક્યાં સુધી વિશ્વાસમત ટાળી શકો છો ? એક સપ્તાહથી બે સપ્તાહ ? અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
૬. વિશ્વાસમત વગર ગઇકાલે કાર્યવાહી પુરી કરવાના સ્પીકરના નિર્ણય સામેના વિરોધમાં ભાજપના ધારાસભ્યોએ રાત વિધાનસભામાં પસાર કરી હતી. તેઓએ ગૃહમાં જ ખાધું અને ઉંઘ્યા પણ હતા.
૭. બેંગલુરૂના રિસોર્ટમાંથી છટકીને મુંબઇની હોસ્પિટલમાં પહોંચી ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય શ્રીમંત પાટિલ અંગે ગુરૂવારે આક્ષેપો થયા હતા. પાટિલે એવો દાવો કર્યો હતો કે તેમને છાતીમાં દુખાવો થયો હતો. કોંગ્રેસે એવો આરોપ મુક્યો હતો કે પાટિલને મુંબઇ લઇ જવા માટે ભાજપ દ્વારા લલચાવવામાં આવ્યા હતા. સ્પીકરે પાટિલ અંગે રાજ્યના ગૃહ પ્રધાન એમબી પાટિલ પાસે રિપોર્ટ માગ્યો હતો.
૮. સુપ્રીમકોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવાનું સ્પીકર પર છોડ્યું હતું. સાથે જ કોર્ટે જણાવ્યું હતું કે બળવાખોર ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે દબાણ કરી શકાય નહીં. ગઠબંધને બળવાખોર ધારાસભ્યોને વ્હિપનો અનાદર કરવા બદલ ગેરલાયક ઠરાવી શકાય કે નહીં ? એ બાબેત કોર્ટ પાસે ખુલાસાની માગણી કરી છે.
૯. છેલ્લા બે સપ્તાહમાં કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ૩ એમ કુલ ૧૬ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને ગઠબંધન સરકારને આપેલો ટેકો બે અપક્ષ ધારાસભ્યોએ પાછો ખેંચી લીધો છે. કોંગ્રેસના એક બળવાખોર ધારાસભ્ય રામલિંગા રેડ્ડી પરત આવી ગયા હોવાનું લાગે છે.
૧૦. ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભામાં શાસક ગઠબંધનના ૧૧૮ સભ્યો છે. જો સુપ્રીમકોર્ટમાં પહોંચેલા ૧૫ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવામાં આવે તો સરકાર પાસે ૧૦૧ ધારાસભ્યો બાકી રહેશે. બે અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી વિપક્ષ ભાજપ પાસે ૧૦૭ ધારાસભ્યો છે અને આ સંખ્યા બહુમતીના જાદૂઇ આંકથી બે વધુ છે.

કર્ણાટક વિશ્વાસમત પરીક્ષણ દરમિયાન કાળો જાદુ, લીંબુ ચર્ચાયા

ભાજપના સભ્યો દ્વારા કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રીના ભાઇ એચડી રેવન્ના કાળો જાદુ કરવા હોવાનો આક્ષેપ કરતા કુમારસ્વામીએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે, રેવન્ના વિધાનસભામાં પોતાની સાથે લીંબુ લઇ આવ્યા હોવાનું દેખાયું છે. જ્યારે કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, લીંબુ લાવવા બદલ તમે રેવન્ના પર આક્ષેપ કરો છો. તમે ભાજપવાળા હિંદુ સંસ્કૃતિમાં વિશ્વાસ કરો છો પણ તમે તેમના પર પ્રહાર કરો છો. તેઓ પોતાની સાથે લીંબુ લાવે છે અને મંદિરે જાય છે. પણ તમે તેમના પર કાળો જાદુ કરવાનો આક્ષેપ કરો છો. શું એવું શક્ય છે કે, કાળા જાદુથી સરકાર બચાવી શકાય ? વિધાનસભામાં તેમણે જણાવ્યું કે, મેં તમામ જિલ્લાઓમાં ભંડોળ પહોંચાડ્યું છે પણ ભાજપ આક્ષેપ કરે છે કે હું ફક્ત બે-ત્રણ જિલ્લાનો મુખ્યમંત્રી છું. તેથી જ હું કહું છું કે ઉતાવળ ના કરવી જોઇએ ચાલો ચર્ચા કરી લઇએ. તમે લોકતંત્રનો નાશ કરવાનો પ્રયાસ કરો છો. કોંગ્રેસના નેતા સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે, હજુ ચર્ચાસમાપ્ત થઇ નથી અને ૨૦ સભ્યો હજુ પણ આ ચર્ચામાં ભાગ લેશે. મને નથી લાગતું કે આજે પણ તે પૂર્ણ થશે. તે સોમવારે પણ ચાલુ રહેશે.