(એજન્સી) બેંગ્લુરૂ, તા.૨૮
૨૦૦૭માં સરકારનું કથિત ગેરકાયદે જાહેરનામું રદ કરવાના કેસમાં સ્પેશિયલ લોકાયુક્ત કોર્ટે સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને નિર્દોષ છોડી મુક્યા હતા. તેઓ તે સમયે જેડીએસ-ભાજપ સરકારની અધ્યક્ષતા કરી રહ્યા હતા. જજ ડીબી પાટિલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, આ કેસમાં કુમારસ્વામીને દોષિત ઠેરવવા માટે તેમનો કોઇ પુરાવો દેખાતો નથી. હવે કોંગ્રેસ-જનતા દળ સેક્યુલર સરકારની અધ્યક્ષતા કરી રહેલા કુમારસ્વામીએ એક અરજી દાખલ કરીને જમીન જાહેરનામું રદ કરવાના કોઇપણ પુરાવા ન હોવાથી કેસને રદ કરવાની માગણી કરી હતી. કોર્ટે નિવૃત્ત આઇએએસ અધિકારી કે જોથિરામલિંગમ સહિત અન્ય ત્રણને પણ નિર્દોષ જાહેર કર્યા હતા જેઓના નામ પણ આરોપીઓમાં સામેલ હતા. ફરિયાદી મહાદેવસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, ઓક્ટોબર ૨૦૦૭માં મુખ્યમંત્રી તરીકે કુમારસ્વામીએ થાનીસાન્દ્રામાં આવેલી ૩.૮ એકર જમીનનું જાહેરનામું રદ કર્યું હતું જેને અરકાવથી લેઆઉટમાં રહેણાંક મકાનો બાંધવા માટે બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટીએ હસ્તગત કરી હતી. કુમારસ્વામીએ નિયમોનો ભંગ કર્યો હોવાનો આરોપ મુકતા ફરિયાદીએ માગ કરી હતી કે, ભ્રષ્ટાચારના કાયદા અંતર્ગત તેમની સામે પગલાં લેવામાં આવે.