(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૯
ગુજરાતની ભાજપ સરકાર પોતાની અમુક ખાસ યોજનાઓને લઈ વારે ઘડિયે મોટી-મોટી વાતો કરતી રહે છે અને ગાઈ વગાડીને તેમાં કરોડો રૂપિયાના ખર્ચની સરકારની સંવેદનાની ગુલબાંગો હાંકતી રહે છે પરંતુ યોજનાઓના અમલીકરણ દરમ્યાન પરી હકીકતની સ્થિતિ કંઈક જુદી જ હોવાની વિગતો છાશવારે બહાર આવતી રહે છે. આવું જ કંઈક રાજ્યમાં કૂપોષિત બાળકો માટે સરાકર દ્વારા કેનાલ ખર્ચ અને જાહેરાતો બાદની સ્થિતિમાં જોવા મળેલ છે. રાજ્યભરમાં સરકાર દ્વારા આટ-આટલા કરોડોના ખર્ચ બાદ હજુ પણ ૧.૪૧ લાખથી વધુ કૂપોષિત બાળકો છે અને તેમાં પણ ર૪,૧૦૧ બાળકોમાં ખૂબ જ નબળા હોવાની હકીકત ખૂદ સરકારના જ દફતરેથી જણાવાઈ છે. રાજ્ય સરકારની જાહેરાતો-યોજનાઓ વગેરે મસમોટી અને ચર્ચા જગાવનારી હોય છે. કેમ કે, રાજકીય દ્વારા તેને લઈને સતત મોટી-મોટી વાતો સાથે પ્રચાર કરાતો હોય છે. એટલે તેમાં લોકોની ઉત્સુકતા અને રસ વધે છે અને જ્યારે આ જાહેરાતો-યોજનાઓની ખરી હકીકત બહાર આવે છે ત્યારે આશ્ચર્યની સાથે સરકારની નીતિ સામે પ્રશ્નો ઊભા થાય છે. રાજ્યમાં વિવિધ યોજનાઓની સ્થિતિ અંગેની હકીકત ખૂદ સરકારના દફતરેથી જ સામે આવતી હોઈ પ્રશ્નએ થાય છે કે, શું સરકારને તેની જાણ નથી ? શું સરકાર માત્ર જાહેરાતો જ કરે છે ? યોજનાનું શું થયું તેનો કેટલા લોકોએ લાભ લીધો શા પરિણામ આવ્યા તેની કોઈ તપાસ કરાતી નથી ? જેવા પ્રશ્નો ઉદ્‌ભવે છે. વિધાનસભાના બજેટસત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ કૂપોષણની સ્થિતિ અંગેના પ્રશ્નોના જવાબમાં સરકારના મંત્રીએ જણાવેલ વિગતો પરથી સરકારની કૂપોષણ અંગેની સ્થિતિ જાણવા મળે છે. સરકાર દ્વારા તેમાં મોટી રકમ ખર્ચ કરાયા બાદ પણ ર૦૧૯ની સ્થિતિએ રાજ્યમાં હજુ ૧,૪ર,૧૪ર બાળકો કૂપોષણથી પીડાય છે. જેમાં ર૪,૧૦૧ બાળકો અતિઓછા વજનવાળા એટલે કે ઘણાં નબળા બાળકો છે. એટલું જ નહીં આદિવાસીઓ માટે વિશેષ ધ્યાન આપવાની અને કરોડોનું ભંડોળ વાપરવાની વાતો કરતી સરકારના રાજ્યમાં આદિવાસી જિલ્લા દાહોદમાં સૌથી વધુ કૂપોષિત ૧૪,૧૯૧ બાળકો હોવાનું જવાબમાં મંત્રીએ જણાવ્યું છે. તે પછીના ક્રમે પણ આદિવાસી જિલ્લો નર્મદા છે. જેમાં ૧ર,૬૭૩ બાળકો કૂપોષિત છે. તૃતીય ક્રમે પણ આદિવાસી બહુમતી વાળો સાબરકાંઠા જિલ્લો છે. જ્યાં ૭૭૯૭ બાળકો કૂપોષિત છે. સૌથી ઓછા પોરબંદરમાં ૪૬૯ બાળકો કૂપોષિત હોવાનું જવાબમાં સરકાર દ્વારા જણાવાયું છે.