(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૭
રાજ્ય સરકાર એક તરફ બાળકોમાં કૃષોષણ દૂર થાય તે માટે કરોડો રૂપિયા ફાળવવાની મસમોટી જાહેરાત કરે છે. પરંતુ બાળકો પાછળ ખરેખર કેટલી રકમ ખર્ચાય છે તે આંકડા ચોંકાવનારા છે. એક મરઘીના નાના બચ્ચાને જેટલી રકમનો ખોરાક જોઈએ તેના કરતા પણ ખુબ ઓછી રકમ કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા ખર્ચ કરવાનો પરિપત્ર કરાતા લોકોમાં હાસ્યાસ્પદ બન્યો છે. બાળકદીઠ ૮૦ પૈસામાં ફળો (મમરા) ૬પ પૈસામાં ચણાદાળ, ૧૦ પૈસાના ગોળ ખવડાવવાનો પરિપત્ર કરાયો છે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી મહિલાઓએ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજય સરકાર વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આંગણવાડી મહિલાઓએ પ્રમુખ રાગીણીબેન પરમારની અધ્યક્ષતામાં પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ એક તરફ મુખ્યમંત્રી દ્વારા પોષણ અભિયાન અંતર્ગત મસમોટી જાહેરાતો કરી લોકોને ભ્રમિત કરાય છે. ત્યારે જમીનની હકીકત તદ્દન વિપરીત છે. કુષોષિત બાળકોને પોષણક્ષમ નાસ્તો-આહાર આપવા માટે જે દરો જાહેર કરાયા છે તે બાળકો માટે મજાકરૂપ છે. બાળક દીઠ ૮૦ પૈસામાં ફળો, ૬પ પૈસામાં ચણાદાળ, ૧૦ પૈસાના ગોળ ખવડાવવા પરિપત્ર પ્રકાશિત કરાયો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ૩થી ૬ માસના બિલો, આંગણવાડી મકાનના ભાડા તેમજ રાજયભરની એક લાખ ૧૦ હજાર આંગણવાડી બહેનોને બેથી ત્રણ માસનો પગાર હજુ ચૂકવાયો નથી. ત્યારે આંગણવાડી મહિલાઓની પડતર માગણીઓ અને સમસ્યાઓનું ત્વરીત નિવારણ ન આવે તો જલદ આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે. આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગીણીબેને મીડિયા સમક્ષ પ્રતિભાવ આપતા આક્રમક રીતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન વિદેશોમાં જલસા કરે તેની પાછળ હજારો રૂપિયા ખર્ચ કરાય, કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ દ્વારા નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દેવાય ત્યારે કુપોષિત બાળકોને ૮૦ પૈસામાં ફળો અને ૧૦ પૈસામાં ગોળ કઈ દુકાનમાં મળશે તે પણ ભાજપ સરકારે જાહેર કરવું જોઈએ અન્યથા મંત્રીઓ જાતે ખરીદી કરવા નીકળે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ભાજપને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી.