જામનગર, તા.૬
જામનગર તથા ખંભાળિયામાં રહેતા ખેતિયા પરિવારના સાત સભ્યોની મોટર દ્વારકાથી ખંભાળિયા પરત ફરતી વેળાએ કુરંગાના પુલિયા નીચે ત્રાટકી અકસ્માતગ્રસ્ત બનતા મોટર ચલાવતા પ્રૌઢ સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે સારવારમાં ખસેડાયેલા આ પરિવારના માતાનું મોડીરાત્રે મૃત્યુ થયું છે જ્યારે અન્ય ચાર મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતની વધુ વિગત મુજબ જામનગરમાં રહેતા પંકજભાઈ વિજયાશંકર ખેતિયા (ઉ.વ.૬૦) તથા તેમના ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં વસવાટ કરતા મુકેશભાઈ વિજયાશંકર (ઉ.વ.પ૪) અને અન્ય પરિવારજનો દ્વારકામાં તેઓના મામા દ્વારા રાખવામાં આવેલી સપ્તાહમાં ભાગ લેવા માટે ગયા હતા. પરિવારના સાત વ્યક્તિઓ પંકજભાઈની જીજે-૧૦-સીજી ૧૮૩૧ નંબરની વેગનઆર મોટરમાં દ્વારકાથી ખંભાળિયા તરફ આવવા માટે રવાના થયા હતા. આ મોટર દ્વારકાથી ત્રીસ કિ.મી. દૂર આવેલા કુરંગા ગામ પાસે પહોંચી ત્યારે મોટર ચલાવી રહેલા પંકજભાઈએ કુરંગાના પુલિયા પર કોઈ કારણથી કાબૂ ગૂમાવતા મોટર પૂલની રેલીંગ સાથે અથડાઈને પુલ નીચે ખાબકી હતી. સર્જાયેલા આ અકસ્માતના કારણે ધોરીમાર્ગ પર માનવ ચીસો ગૂંજી ઉઠી હતી. પંકજભાઈ તથા તેમના ભાઈ મુકેશભાઈના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ગંભીર ઈજા પામેલા મંજુબેન, ઈન્દુબેન, કૃપાલીબેન, ઈલાબેન તથા નિધિબેનને સારવાર માટે ત્યાંથી પસાર થતા લોકોએ ૧૦૮ મારફત દવાખાને ખસેડયા હતા જ્યાંથી મંજુબેનને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈરાત્રે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા આ અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણનો થયો છે.